ઓસ્ટ્રેલિયાની વિશ્વની પ્રથમ નંબરની મહિલા ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટી પછી દેશબંધુ નિક કિર્ગિયોસે પણ US ઓપન ટૂર્નામેન્ટમાંથી નામ પાછું લઈ લીધું છે. તેણે રવિવારે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો સંદેશ પોસ્ટ કરીને આ નિર્ણયની માહિતી આપી હતી. કિર્ગિયોસે કહ્યું કે હું આ વર્ષે US ઓપનમાં નહીં રમું. વિશ્વના સૌથી મોટા સ્પોર્ટિંગ એરેનામાંના એક આર્થર એશ સ્ટેડિયમમાં રમી ન શકવા પર મને ભારે દુખ છે. પરંતુ હું ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં તે લોકો માટે બહાર બેઠો છું જેમણે કોરોનાના કારણે જીવ ગુમાવ્યા છે. 

વિશ્વના નંબર -40 ટેનિસ ખેલાડીએ વધુમાં કહ્યું કે આપણે ફરીથી સ્પોર્ટ્સ અને ઇકોનોમી ઉભી કરી શકીએ છીએ. પરંતુ આપણે કોરોનાને લીધે જીવ ગુમાવનારને પાછા લાવી શકતા નથી. કિર્ગિયોસે એવા ખેલાડીઓની પણ ટીકા કરી હતી કે જેઓ કોરોના હોવા છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી એગ્ઝીબિશન ટૂર્નામેન્ટ રમી રહ્યા છે. તેણે કહ્યું કે આ ખેલાડીઓ પૈસા માટે રમતા રહ્યા છે.  વર્લ્ડ નંબર -2 અને ડિફેન્ડિંગ ચેમ્પિયન રાફેલ નડાલે પણ તે રમશે કે નહિ, તે અંગે ખુલાસો કર્યો નથી.