વડોદરા, તા. ૨૫

ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડીથી મિત્રતા કેળવ્યા બાદ મિત્રતાના નાતે મોંઘી દાટ ગીફ્ટ મોકલવવાનુું કહીને લોકો પાસેથી લાખો રૂપિયાની ઓનલાઈન ઠગાઈ કરતી નાઈઝીરીયન ગેંગના બે સભ્યોને વડોદરા સાયબર ક્રાઈમ સેલે દિલ્હીથી ઝડપી પાડ્યા હતા. આ બંને ગઠિયાઓએ વડોદરા લાવી કોર્ટમાં રજુ કરાતા તેઓને બે દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો.

શહેરમાં રહેતા એક આધેડને થોડાક સમય અગાઉ નાઈઝીરીયન ગેંગ દ્વારા ઈન્સ્ટાગ્રામ પર ફેક આઈડીથી એક વિદેશી નાગરીકની ઓળખ આપીને ફ્રેન્ડશીપ રિકવેસ્ટ મોકલાઈ હતી. આધેડે ઈન્સ્ટાગ્રામ પર રિકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ તેમની સાથે વોટ્‌સઅપ પર વાતચિતનો દોર શરૂ થયો હતો. આ દરમિયાન ગેંગના સભ્યએ મિત્રતાના નાતે આધેડને વિદેશથી એક મોંઘી ગીફ્ટ મોકલાવતા હોવાની જાણ કરી હતી. ત્યારબાદ તેણે આ ગીફ્ટ દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા રોકવામાં આવી છે અને તેને છોડાવવાના બહાને વિવિધ કારણોસર આધેડ પાસેથી કુલ ૬.૪૭ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ઠગાઈ હતી.

આ ઠગાઈના બનાવની વડોદરા સાયબર ક્રાઈમ સેલમાં ફરિયાદ નોંધાતા પીઆઈ બી.એન.પટેલ સહિતના સ્ટાફે ટેકનીકલ સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી અને લોકેશનના આધારે ટીમે દિલ્હીમાં છાપો મારી ઉક્ત ઠગાઈમાં સંડોવાયેલા નાઈઝીરીયાના વતની રોવલીંગ્સ પીટર ઓશ્યોર અને યાકો કોફી થીઓફીલેને ઝડપી પાડ્યા હતા. આ બંને ગઠિયાઓ પાસેથી પોલીસે ૨૫ મોબાઈલ, ૪ સીમકાર્ડ અને ૪ ડેબિટ કાર્ડ સહિતની મત્તા કબજે કરી હતી. પ્રાથમિક તપાસમાં આ બંને ગઠિયાઓના મોબાઈલમાં એલેક્સના અલગ અલગ નામથી ૭૭ જેટલા પેક ઈન્સ્ટ્રાગ્રામ પ્રોફાઈલ મળી હતી. પોલીસે આ બંને ગઠિયાઓને અત્રે લાવી તેઓને આજે કોર્ટમાં રજુ કર્યા હતા જયાં બંને આરોપીઓને બે દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ થયો હતો.