દિલ્હી-

ખેડૂત આંદોલન મુદ્દે વિવાદાસ્પદ ટૂલકીટ કેસમાં સંડોવાયેલી ભારતીય પર્યાવરણ કાર્યકર નિકિતા જેકબે સ્વીકારી લીધું છે કે, તેણે પ્રજાસત્તાકદિન પહેલા ઝૂમ એપ પરની એક મિટિંગ કરી હતી જેમાં પોએટીક જસ્ટીસ સંસ્થાનો સ્થાપક મો ધાલીવલ ઉપરાંત દિશા રવિ સહિત અન્ય કાર્યકરો પણ ભાગીદાર હતા.

નિકિતાના વકીલે મુંબઈ પોલીસને દાસ્તાવેજો આપ્યા હતા જેમાં કહેવાયું હતું કે, એક્ટીન્કશન ઈન્ડિયાના કાર્યકરો દ્વારા આ પ્રકારની ટૂલકીટ બનાવાતી હતી જેથી આંતરરાષ્ટ્રીયસ્તરના લોકોને આ તમામ ઘટનાઓ ટૂકડે-ટૂકડે અને સરળ રીતે સમજાવી શકાય. જો કે તેણે એમ ફરીથી કહ્યું હતું કે આ દાસ્તાવેજો માહિતી પૂરી પાડવાના હેતુથી જ બનાવાયા હતા અને તે દ્વારા હિંસા ફેલાય એવો તેમનો કોઈ હેતુ નહોતો. વળી આ દાસ્તાવેજોની કોઈ વિગતો ગ્રેટા થનબર્ગ સાથે પણ વહેંચી ન હોવાનું તેણે કહ્યું હતું. તેના દાસ્તાવેજોમાં એવો દાવો પણ કરાયો છે કે, લોકોમાં જાગૃતિ આણવા માટે તેણે આ કામ કર્યું હતું અને ટૂલકીટના એવા સંશોધન, ચર્ચા, સંકલન કે વહેંચણી પાછળ તેનો કોઈ ધાર્મિક, રાજકીય કે આર્થિક મકસદ નહોતો. 

ઉપરાંત તેણે ચાર અઠવાડિયા સુધી પોતાની ધરપકડ સામે રક્ષણ માંગ્યું છે અને કોઈપણ કઠોર કાર્યવાહી સામે વચગાળા માટે સંરક્ષણ માંગ્યું છે. ઉપરાંત તેણે દિલ્હી પોલીસને વિનંતી કરી છે કે, તેની સામે જે એફઆઈઆર દાખલ કરાઈ છે તેની નકલ તેને પૂરી પાડવામાં આવે. પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, પ્રજાસત્તાકદિન પૂર્વે જ ભારે આંધાધૂંધી ફેલાવવાના હેતુથી ખાલીસ્તાનના હિમાયતી તેમજ પોએટીક જસ્ટીસના સ્થાપક મોહંમદ ધાલીવલ દ્વારા કેનેડાના રહિશ અને જેકબના એક સાથી પુનિત થકી તેનો સંપર્ક સાધવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગૂગલ દાસ્તાવેજો સાથે એક મોટું ષડયંત્ર રચાતું હોવાનું બહાર આવ્યું હતું.