રાજપીપળા, તા.૩

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નીલેશ દુબેના આદિવાસી સમાજ વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વિવાદ વધતા ગુજરાત સરકારે આખરે નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દીધા છે.નિલેશ દુબેનો આદિવાસી સમાજ વિરુદ્ધની ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં બુધવારે ૩૦ મી એપ્રિલના રોજ રાત્રે વાયરલ થયા એમની વિરુદ્ધ આખા રાજ્યમાં આંદોલન તેજ બન્યું હતું.

કેવડિયા બચાઓ આંદોલન સમિતિ, ભાજપ-કોંગ્રેસના આદિવાસી આગેવાનો સાથે નર્મદા જિલ્લા વહીવટી તંત્રએ બેઠક કરી હતી, એ બાદ તમામ આગેવાનોએ નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવાની માંગ સાથે કેવડિયા પોલીસ મથકે ધામો નાખ્યો હતો.આખી રાત પોલીસ મથક બહાર બેસી રહેવા છતાં કેવડિયા પોલીસે નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો ન નોંધાતા આગેવાનોમાં રોષ વધ્યો હતો.ગુજરાતના પૂર્વ કેબિનેટ મંત્રી ગણપત વસાવાએ પણ નિલેશ દુબે વિરુદ્ધ કડક કાર્યવાહીની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત માંગ કરી હતી.

આદિવાસી સમાજનું આંદોલન તેજ બનતા ગુજરાત ભરના આદિવાસીઆગેવાનો, ભાજપ-કોંગ્રેસ-બિટીપીના સાંસદ અને ધારાસભ્યોએ નિલેશ દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવા સરકાર પર રિતસરનું દબાણ બનાવતા સરકારે નિલેશ દુબેને આખરે સસ્પેન્ડ કર્યા છે.સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સીના નાયબ કલેકટર નિલેશ દુબેને ૦૭/૧૨/૨૦૧૮ ના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વધારાનો હવાલો સોંપાયો હતો. ગુજરાત સરકારે એ બાબતની નોંધ લીધી છે કે દુબેએ ચોક્કસ જાતિ વિરુદ્ધ ટિપ્પણી કરી લાગણીને ઠેસ પહોંચાડી છે.જે વર્ગ-૧ ના જવાબદાર અધિકારીને ન છાજે એવું વર્તન કહેવાય.નિલેશ દુબે વિરુદ્ધ શિસ્ત વિષયક કાર્યવાહી કરવાનો કેસ બનતો હોવાથી એમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સેન્સ્પેન્સન દરમિયાન એમનું મુખ્ય મથક ભાવનગર કલેકટર કચેરી હશે, તેઓ નિયંત્રક અધિકારીની લેખિત પરવાનગી સિવાય મુખ્ય મથક છોડી

શકશે નહીં.

ગણપત વસાવાએ સીએમને પત્ર લખ્યાના ગણતરીના સમયમાં દુબે સસ્પેન્ડ

આદિવાસી સમાજ અંગે અપમાનજનક ટિપ્પણી કરનારા ડેપ્યુટી કલેકટર નિલેશ દુબેને લઈને આદિવાસી સમાજમાં ભારે નારાજગી પ્રસરી ગઈ હતી. આ મામલે રાજ્ય સરકારના પૂર્વ વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખવા આવ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આ અધિકારી નિલેશ દુબેના નિવેદનથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે. જેથી તાત્કાલિક ધોરણે તેમની સામે પગલાં લેવા માટેની ભલામણ કરી હતી. આ પત્ર લખાયાના ગણતરીના કલાકોમાં રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક હુકમ કરીને નિલેશ દુબેને સસ્પેન્ડ કરીને તેમને ભાવનગર ખાતે મૂકી દેવાયા છે.

સરકારે નિલેશ દુબે વિરુદ્ધ કરેલી કાર્યવાહી અધૂરી છે, એટ્રોસિટીનો ગુનો નોંધો ઃ હરેશ વસાવા

નિલેશ દુબે વિરુદ્ધ આંદોલનની શરૂઆત કરનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવાએ જણાવ્યું હતું કે સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા એનાથી અમને સંતોષ નથી.જાે નિલેશ દુબે વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો નહિ નોંધાય તો અમે સમજીશું કે સરકારને આદિવાસીઓના અપમાનની કશી પડી નથી.એટ્રોસીટીનો ગુનો નહિ નોંધાય તો ગુજરાત સહીત આખા દેશમાં જલદ આંદોલન કરીશું.

સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દુબેને બચાવવાનો પ્રયત્ન કર્યો ઃ ડો પ્રફુલ્લ વસાવા

કેવડિયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે સરકારે નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દુબેને બચાવવાનો પ્રયત્ન કર્યો છે.દુબે વિરુદ્ધ એટ્રોસીટીનો ગુનો દાખલ થવો જાેઈએ.કાનુની કાર્યવાહી નહીં થાય તો આદિવાસી સમાજ વિરોધ પ્રદર્શન ચાલુ રાખશે.ગૃહમંત્રી હર્ષ સંઘવી આ ઓડિયો સાંભળે અને આદિવાસી સમાજ આગળ ખુલાસો કરે છે કે નિલેશ દુબે વિરુદ્ધ પોલિસે ‌ફરીયાદ કેમ ના કરી?