વડોદરા, તા.૧૦

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર કેયુર રોકડિયા ધારાસભ્ય બન્યા હતા, જેથી એક વ્યક્તિ એક પદ ભાજપના સૂત્રનો અમલ કરતાં તાજેતરમાં રાજીનામું આપ્યું હતું. તેઓના મેયરપદના કાર્યકાળને બે વર્ષનો સમય આજે પૂર્ણ થયો હતો. આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્યસભામાં કેયુર રોકડિયાનું રાજીનામાને મંજૂરી સાથે આગામી ૬ મહિના માટે વોર્ડ નં.૧૭ના ભાજપના કાઉન્સિલર નિલેશ રાઠોડની ૬ મહિના માટે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

નવા નિયુક્ત મેયર નિલેશ રાઠોડ વર્ષોથી ભાજપના કાર્યકર તરીકે કામગીરી કરતા રહ્યા હતા. તેઓને વર્ષ ૨૦૦૬થી યુવા મોરચામાં જાેડાઈને કાર્યકર તરીકેની જવાબદારી સ્વીકારી હતી. ત્યાર બાદ છેલ્લા ત્રણ ટર્મથી કોર્પોરેશનમાં કોર્પોરેટર તરીકે ચૂંટાવાની સાથે ગત બોર્ડમાં બે વખત પાલિકામાં ભાજપ પક્ષના નેતા તેમજ સ્થાયી સમિતિના સભ્ય તરીકે કામગીરી કરી ચૂક્યા છે.

આજે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, શહેર પ્રમુખ ડો. વિજય શાહ, સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ મહામંત્રીઓની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની એક બેઠક યોજાઇ હતી, જેમાં નિલેશ રાઠોડના નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યાર બાદ કોર્પોરેશનની મળેલી સામાન્યસભામાં મેયર કેયુર રોકડિયાના રાજીનામાને મંજૂરીની સાથે નવા મેયર નિલેશ રાઠોડના નામની દરખાસ્ત પક્ષના નેતા અને દંડકે મૂકી હતી, જેને ભાજપ કોંગ્રેસ બંનેએ સમર્થન આપી સર્વાનુમતે તેમની નિમણૂક કરવામાં આવી હતી. નવનિયુક્ત મેયરને ભાજપ અને કોંગ્રેસના કાઉન્સિલરોએ શુભેચ્છા આપી હતી.

કોર્પોરેશનના વર્તમાન બોર્ડની વર્ષ ૨૦૨૧માં ચૂંટણી યોજાઈ હતી, ત્યારે ભાજપે કુલ ૭૬ બેઠકમાંથી ૬૯ બેઠક જીતી હતી. તા.૧૦ માર્ચ ૨૦૨૧ના રોજ જનરલ બોર્ડમાં મેયર, ડેપ્યુટી મેયરની ચૂંટણી થઈ હતી. જેમાં કેયુર રોકડિયાની વરણી કરવામાં આવી હતી. તેઓ હવે સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય બનતાં તેમણે મેયર તરીકે રાજીનામું આપ્યું છે. બરાબર બે વર્ષે ૧૦મી માર્ચે જ તેમનું રાજીનામું આજે જનરલ બોર્ડે મંજૂર કર્યું છે.