વડોદરા, તા.૧૮ 

સોખડા ગામમાં રહેતા અને કલરનું કામ કરતાં શખ્સે તેના ઘરમાં પાંજરામાં કેટલાક પોપટ ગેરકાયદે રાખ્યા હોવાની માહિતી ગુજરાત પ્રાણીક્રૂરતા નિવારણ સંસ્થાને મળતાં સંસ્થાના કાર્યકરો તરત જ દોડી ગયા હતા અને પાંજરામાં પૂરેલા નવ સુડો પોપટનો કબજા લઈ વડોદરા વન વિભાગને સુપરત કર્યા હતા. વન વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.

વન્યજીવ કાયદા હેઠળ કેટલાક પશુ-પક્ષીઓને બાંધીને કે પાંજરામાં પૂરીને રાખવા એ ગુનો બને છે. છતાં કેટલાક લોકો કાચબો, પોપટ જેવા પશુ-પક્ષી, જાનવર ઘરમાં રાખે છે ત્યારે જીએસપીસીએના રાજભા વસાવાને માહિતી મળી હતી કે સોખડા ગામમાં એક શખ્સે પાંજરામાં ગેરકાયદેસર પોપટ રાખ્યા છે તેથી તરત જ જીએસપીસીએની ટીમ સોખડા ગામમાં પહોંચી ગઈ હતી. જ્યાં કલરનું કામ કરતા મગનભાઈ લુહારના મકાનમાં તપાસ કરતાં ૯ સુડો પોપટ બે પાંજરામાં મુકેલા જણાઈ આવતાં પોપટનો કબજા લઈ વન વિભાગને સુપરત કરાયા હતા.