મહેસાણા-

ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ ઉત્તર ગુજરાતને હડફેટે લીધું છે. ત્યારે મહેસાણા અને પાટણ જિલ્લામાં હાલ ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, અનેક ખેતરો વરસાદના પાણીથી ભરેલા છે, ત્યારે પૂરની સ્થિતિ પહેલા મહેસાણા જિલ્લામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે દોડી આવ્યા હતા. નીતિન પટેલે આજે મહેસાણા પરા વિસ્તારમાં પાણી ભરાયેલા વિસ્તારની મુલાકાત લઈને સમીક્ષા કરી હતી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, મહેસાણાના પરાં વિસ્તારમાં આવેલું તળાવમાં પાણી ભરાતા અને મકાનો પાણીમાં ગરકાવ થતા પૂરની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલ મહેસાણા દોડી આવ્યા હતા. મહેસાણામાં તળાવમાં નીચાણવાળા વિસ્તારોમાં અંદાજે ૧૦૨ જેટલા લોકોને સ્થળાંતર કરી નજીકની શાળામાં રાખવામાં આવી રહ્યા છે. નીતિન પટેલે બંને જગ્યાઓની મુલાકાત લઇ તમામ સહાય કરવા આશ્વાસન આપ્યું હતું. નીતિન પટેલ સાથે જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ જાેડાયા હતા.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં ભારેથી વરસાદ પડતાં તેની સમીક્ષા કરીને સ્થળાંતર કરેલા લોકો સાથે ચર્ચા કરી હતી, અને તેમને જીવનજરૂરિયાત ચીજવસ્તુઓ માટે આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે મહેસાણાના પરા વિસ્તારની પણ મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે એક નિવેદન આપ્યું હતું. નીતિન પટેલે જણાવ્યું હતું કે, હાલ ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે.