વડોદરા : ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના પૂર્વ કપડાં મંત્રી તથા પીએસપીના સ્થાપક શંકરસિંહ વાઘેલાએ આજે વડોદરા ખાતે અત્યંત ટૂંકા પ્રવાસ દરમિયાન પત્રકારોને સંબોધતા એમના પૂર્વ સાથી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ચાબખા મારતા હોય એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેઓએ વડાપ્રધાન મોદીને ફાંકા ફોદ્દારી કરનાર અને ફોટા પડાવતા જ આવડે છે એમ કહી તેઓને વહીવટ કરતા લગીરે આવડતું નથી એમ જણાવીને હવે છ વર્ષે પ્રજા સમક્ષ તેઓની પોલ પણ ખુલ્લી પડી ગઈ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રમાં એમના નેતૃત્વ હેઠળની એનડીએની સરકારે જે કોઈ મોટા ર્નિણયો લીધા છે એ તમામ ફ્લોપ શો સાબિત થયા છે. પછી તે નોટબંધીનો ર્નિણય હોય કે જીએસટીનો કે પછીથી કોરોનાને લઈને લોકડાઉનનો કે પછીથી કૃષિ બિલ અંગેનો ર્નિણય હોય.ચૂંટણી વખતે બે કરોડને રોજગારી આપવાની વાત કરનાર મોદીના રાજમાં રોજગારી મેળવવી તો દૂરની વાત રહી, જેની રોજગારી હતી એવા કરોડો બેરોજગાર બની ગયા છે.ભ્રષ્ટ દારૂબંધીના વિરુદ્ધમાં વર્ષોથી આંદોલન ચલાવી રહેલા યુવાન મિત્રો સાથે દારૂબંધી મુદ્દે મુકત મને ચર્ચા કરી તેમનો પક્ષ સંભાળ્યો હતો. તેમજ દારૂબંધી પર તેઓના વિચાર તેમજ નવી લીકર પોલિસી અંગેનું વિઝન રજૂ કર્યું હતું. તેઓએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધીને લઈને મોટા પ્રમાણમાં હપ્તા રાજ ચાલે છે. જે તાકીદે બંધ કરવાને માટે કાયદામાં જરૂરી સુધારા વધારા કરીને દારૂબંધી હટાવવી જોઈએ એવી માગ કરી હતી. જેને લઈને હલચલ મચી જવા પામી છે. તેઓએ જણાવ્યું હતું કે, ગાંધી અને એના મૂલ્યોની વાત કરતા ભાજપના નેતાઓ કેમ એમના શાસન હેઠળના કર્ણાટક સહિતના રાજ્યોમાં ગુજરાતની માફક દારૂબંધી લાદતા નથી ? આ ઉપરાંત તેઓએ ગુજરાત સરકાર અને ભાજપના ધારાસભ્યોના ખરીદ વેચાણ પર આકરા ચાબખા માર્યા હતા. તેમજ ભાજપના રાજમાં લોકશાહીની હત્યા કરીને મૂલ્યોનું ધોવાણ કરવામાં આવ્યાનું જણાવ્યું હતું. આ પ્રસંગે શહેર પ્રમુખ આનંદરાવ, ડો રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજિત ધિલ્લોન, બબલદાસ પટેલ, જનક પરમાર, ઉમાદેવી,રાજેશ પંડ્યા,જયપ્રકાશ,વિનોદ નાયક વગેરેની ઉપસ્થતિમાં બાપુને નર્મદા જળનો કુંભ આપી સુતરની આંટી પહેરાવીને સ્વાગત કર્યું હતું. જયારે કનુભાઈ ખોડાભાઈ ભરવાડે શાલ પહેરાવીને સન્માન કર્યું હતું. 

અંબાણી-અદાણી આરોગ્ય-શિક્ષણ સુવિધા મફત પૂરી પાડી શકે એમ છે

ગુજરાત રાજ્યમાં આરોગ્ય અને શિક્ષણની મફત સુવિધા મોટા ગજાના બે ઉદ્યોગપતિઓ એકલા જ પુરી પાડી શકે એમ છે. શિક્ષણને માટે અંબાણી પાસેથી ૧૫ હજાર કરોડ રાજ્યને ફાળવવા રમતની વાત છે. આવીજ રીતે આરોગ્યને માટે અદાણી પણ આર્થિક સહાય કરી શકે એમ છે. એવું જણાવી શંકરસિંહ વાઘેલા - બાપુએ જણાવ્યું હતું કે, આ બંને ટોચના ઉદ્યોગપતિઓ પર ગુજરાતની પ્રજાનું અગણિત ઋણ છે. એ વાત ભૂલવી જોઈએ નહિ. તેઓ જે કઈ છે એ ગુજરાત અને ગુજરાતીઓને લીધે જ છે. પરંતુ ભ્રષ્ટાચારીઓમાં એને માટેની ઈચછાશક્તિ અને વહીવટી કુશળતાનો અભાવ છે.

પીએસપીના પ્રજાલક્ષી-ચૂંટણીલક્ષી “પંચામૃત” મુદ્દાઓ

• વર્ષે બાર લાખ સુધીની આવક ધરાવનાર પરિવારને વાર્ષિક ૧૨ લાખનું આરોગ્ય કવચ

• વર્ષે બાર લાખ સુધીની આવક ધરાવનાર પરિવારના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વિના મુલ્યે શિક્ષણ

• ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગાર તેમજ બેરોજગારી ભથ્થું

• વોટર ટેક્ષ નાબૂદ તેમજ ૧૦૦ યુનિટ સુધી ફ્રી વીજળી,ખેડૂતોને દેવા અને વીજ બિલમાં રાહત

• ભ્રષ્ટ દારૂબંધી હટાવીને તજજ્ઞોના અભિપ્રાય સાથે નવી સાયન્ટીફીક લીકર પોલીસી

કૃષિ બિલ ઉદ્યોગકારોની તરફેણનું અને ખેડૂત વિરોધી

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, કેન્દ્રની ભાજપાના વડપણ હેઠળની એનડીએ સરકારે બહુમતીના જોરે પસાર કરેલ કૃષિ બિલ ખેડૂત વિરોધી અને ઉદ્યોગકારોની તરફેણ કરતુ બિલ છે. એના બદલે સરકારે ખેડૂતોને વેરા, વીજળી બિલોમાં રાહત આપવી જોઈએ. પૂરતા પ્રમાણમાં વ્યાજબી રાહત ભાવથી ખાતર અને બિયારણ પુરા પાડવા જોઈએ. કૃષિ પ્રધાન અને ગરીબ દેશમાં જેટલા ખેડૂતો અને બેરોજગારો સમૃદ્ધ બનશે એટલી પ્રગતિ, વિકાસ આપોઆપ થશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કેન્દ્રના તમામ વિવાદાસ્પદ ર્નિણયો અને બિલ ફ્લોપ શો સાબિત થયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તઘલખી ર્નિણયો પર ચાબખા મારતા

બાપુએ જણાવ્યું હતું કે, કેન્દ્રની વહીવટી કુશળતા વિહીન સરકારે જે જે મોટા ર્નિણયો લીધા છે. એ ફ્લોપ શો સાબિત થયા છે. એનો સમગ્ર દેશની પ્રજાએ વિરોધ કરીને દેખાવો કર્યા છે. પછી તે નોટબંધીનો ર્નિણય હોય, કે જીએસટીનો કે પછીથી કૃષિ બિલનો ર્નિણય હોય. એ તમામ બીલો અને ર્નિણયોનો પ્રજાએ વિરોધ કર્યો છે. માત્ર છ વર્ષના શાસનમાં જ પ્રજા એમને ઓળખી ગઈ છે એ ફેંકુથી વિશેષ કૈજ નથી.

ગરબાની સાથોસાથ રાજકીય ગરબા પર પ્રતિબંધની માગ

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરકાર દ્વારા અને ચૂંટણી પંચ દ્વારા એક તરફ ચૂંટણી લક્ષી મિટિંગો અને રેલીઓને ખુલ્લો દોર આપી દીધો છે. જ્યારે બીજી તરફ ગુજરાત સરકારે ગરબા પર પ્રતિબંધ લાદી દીધો છે. જયારે આરતીની છૂટછાટ આપી છે. એને લઈને સરકારના આવા ર્નિણય બાદલ આકરી ઝાટકણી કાઢતા બાપુએ જણાવ્યું હતું કે, ગરબા પર કોરોનાઅને કારણે ભલે પ્રતિબંધ લાદો, પરંતુ સત્તા અને નાણાંના જોરે જે રાજકીય ગરબા કરો ચો એની સામે પણ પ્રતિબંધ મુકીદો. એવો હળવો કટાક્ષ કરીને રાજકીય ચાબખા શાસક પક્ષ ભાજપ પર માર્યા હતા.