વડોદરા, તા.૮

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે આજથી રાજ્યની કોલેજાેમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ એમ.એસ.યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પહેલા વર્ષમાં એકપણ વિદ્યાર્થી આવ્યો ન હતો જેથી કેમ્પસમાં કાગડા ઊડત જાેવા મળ્યા હતા. જાે કે, કોરોના મહામારી અને ત્રીજા વર્ષની પરીક્ષાઓ ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ આવ્યા ન હતા, પરંતુ વિવિધ ફેકલ્ટીઓમાં અનેક વિદ્યાર્થીઓએ સંમતિપત્રો આપ્યા હોવાનું જાણવા મળે છે.

કોરોનાની મહામારી બાદ રાજ્ય સરકાર દ્વારા હવે તબક્કાવાર શાળા-કોલેજાેના વર્ગો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે આજથી કોલેજાેના પ્રથમ વર્ષના વર્ગોની શરૂઆત કરવાની જાહેરાત કરાઈ હતી પરંતુ એમ.એસ.યુનિ.ની કોમર્સ, આર્ટસ, સાયન્સ, લો સહિત મોટાભાગની ફેકલ્ટીઓમાં એકપણ વિદ્યાર્થી જાેવા મળ્યો ન હતો. કોમર્સ, સાયન્સ ફેકલ્ટીમાં અને આર્ટસ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષની તેમજ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે જેથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ કોેલેજમાં આવ્યા ન હતા અને કેમ્પસ ખાલીખમ જાેવા મળ્યો હતો.

ઉપરાંત કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓમાં હજુ ડરનો માહોલ જાેવા મળી રહ્યો છે જેના કારણે વિદ્યાર્થીઓ કોલેજમાં આવવાનું ટાળી રહ્યા છે. મોટાભાગના વિદ્યાર્થીઓ ઓનલાઈન ક્લાસમાં જ અભ્યાસ ચાલુ રાખવાનું પસંદ કરી રહ્યા છે. સામાન્ય રીતે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયાથી કોલેજ કેમ્પસમાં વિવિધ ડેની ઉજવણી શરૂ થઈ જાય છે, પરંતુ આ વખતે વિવિધ ડે અને વેલેન્ટાઈન ડેની ઉજવણી ફિક્કી રહેશે.

એમ.એસ.યુનિ.ના રજિસ્ટ્રાર ચૂડાસમાએ જણાવ્યું હતું કે પ્રથમ વર્ષમાં કોલેજમાં ક્લાસ એટેન્ડ કરવા આવનાર વિદ્યાર્થઓ માટે પણ ફાઈનલ ઈયર અને પી.જી.ના વિદ્યાર્થીઓ જેવી જ પ્રક્રિયા કરવામાં આવશે. જે વિદ્યાર્થીઓ કોલેજ આવવા ઈચ્છે છે તેમની પાસે વાલીઓની સહી સાથે સંમતિપત્ર મંગાવવામાં આવશે. સંમતિપત્ર બાદ જ કોલેજ આવવા ઈચ્છતા વિદ્યાર્થીઓની ગણતરી કરીને બેચ પ્રમાણે બોલાવવામાં આવશે. આજે કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ફેકલ્ટીઓમાં સંમતિપત્રો જમા કરાવવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.