ટોક્યો

ટોક્યો ઓલિમ્પિક આયોજન સમિતિએ સોમવારે કહ્યું હતું કે વિદેશી સ્વયંસેવકોને (સ્વૈચ્છિક) આ રમતોમાં આવવા દેવામાં આવશે નહીં. આ ઘોષણાના બે દિવસ પહેલા આયોજકોએ આંતરરાષ્ટ્રીય ચાહકોને જાપાનની મુલાકાત લેવાની મનાઈ ફરમાવી હતી. આ બંને ર્નિણયોનો હેતુ કોવિડ-૧૯ રોગચાળો ફેલાવો અટકાવવાનો છે. જોકે આયોજકોએ કહ્યું હતું કે ખાસ કુશળતાવાળા મર્યાદિત સંખ્યામાં સ્વયંસેવકોને જાપાનની મુલાકાત માટે મંજૂરી આપી શકાય છે. આયોજન સમિતિના ચીફ એક્ઝિક્યુટિવ તોશીરો મુટોએ કહ્યું કે હું આ માટે માફી માંગુ છું, પરંતુ અમારી પાસે આ ર્નિણય લેવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આયોજકોએ આશરે ૮૦,૦૦૦ અવેતન સ્વયંસેવકોનો ઉપયોગ કરવાની યોજના બનાવી હતી, પરંતુ વિદેશી ચાહકોની ગેરહાજરીમાં કેટલા સ્વયંસેવકોની જરૂર છે તે વિશે કંઈ સ્પષ્ટ નથી.