મુંબઇ 

જીવલેણ કોરોના વાયરસ લગભગ એક વર્ષથી આપણી વચ્ચે છે અને તે ક્યાં સુધી રહેશે તેની કોઈને જાણ નથી. દિવસને દિવસે કેટલાય લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને એમાથી અમુક જીવ પણ ગુમાવી રહ્યા છે. મહામારી શરુ થઈ ત્યારથી સરકાર સતત લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અને સાવચેતીના જરૂરી તમામ પગલા લેવા માટે અપીલ કરી રહી છે. જો કે, આ બધી બાબતોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવા ઘણા કિસ્સા અને તસવીરો આપણી સામે આવી ચૂકી છે. હાલમાં એક એવોર્ડ ફંક્શન યોજાયું હતું, જ્યાં કોઈએ માસ્ક પહેર્યું નહોતું. આ વાતને સીરિયલ અનુપમામાં વનરાજનો રોલ પ્લે કરી રહેલા સુધાંશુ પાંડેએ ઉઘાડી પાડી છે.

વિરલ ભાયાણી નામના બોલિવુડ ફોટોગ્રાફરે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર સુધાંશુ પાંડેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે કોવિડ-19ના નિયમોનું પાલન ન થતાં નારાજગી વ્યક્ત કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં એક્ટર કહી રહ્યો છે કે, 'ફંક્શનમાં કોઈ પણ પ્રોટોકોલનું પાલન નથી થયું. જે ખરેખર ખરાબ બાબત કહેવાય. અહીંયા અંદર એટલા બધા લોકો છે અને કોઈએ માસ્ક નથી પહેર્યું, સેનિટાઈઝર પણ નથી. સારા કામ માટે આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા છે પરંતુ પ્રોટોકોલનું પાલન નથી થઈ રહ્યું'. 

એક્ટરે વધુમાં કહ્યું કે, 'આજની તારીખમાં જ્યારે સરકાર આટલી પરેશાન છે અને બધી જગ્યાએ ફરીથી લોકડાઉન થવાની વાત થઈ રહી છે. જે લોકો મને સાંભળી રહ્યા છે તે તમામને અપીલ કરવા માગું છું કે, મહામારી ખતમ નથી થઈ. કેટલીક જગ્યાએ મહામારીની બીજી અને ત્રીજી લહેર આવી ગઈ છે. એવું ન વિચારો કે આ બીમારી તમને નહીં થાય. આ બીમારી કોઈને પણ ક્યારેય પણ થઈ શકે છે. પોતાના માટે નહીં તો પરિવાર માટે, એકબીજા માટે પોતાને જવાબદાર સમજો. પ્લીઝ પ્રોટોકોલનું પાલન કરો. હાઈજીન જાળવી રાખો'. 

સુધાંશુ પાંડેના આ વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને કેટલાકે તો વળી તેને ટ્રોલ પણ કર્યો છે. એક યૂઝરે પૂછ્યું છે કે, 'તમારું માસ્ક ક્યાં છે?', એકે લખ્યું છે કે, 'તેણે પોતે માસ્ક નથી પહેર્યું અને બીજાને માસ્ક પહેરવાની અપીલ કરી રહ્યો છે'. એક ફિમેલ યૂઝરે પૂછ્યું છે કે, 'તમારા લોકોનું માસ્ક કોણે લઈ લીધું? તમે બંને પણ પાસે જ ઉભા છો ને'.