નવસારી-

ગુજરાતમાં 15 લાખ પેજ કમિટી થકી સવા બે કરોડ મતદારો સુધી પહોંચવાની સ્ટ્રેટેજી ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે બનાવી છે. નવસારીના સાંસદ સી. આર. પાટીલ ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા બાદ તેમણે એક પછી એક યોજનાઓ થકી ગુજરાત વિધાનસભાની 182 બેઠકો જીતવા માટેની તૈયારીઓ આરંભી છે. પાટીલે ચુંટણી પૂર્વે જ કાર્યકર્તાઓને એક્ટિવ કરવા પેજ પ્રમુખ અભિયાનને ગતિ આપી સમય મર્યાદામાં પૂર્ણ કરવા કાર્યકર્તાઓને ચેતવણી પણ આપી દીધી છે. આજે શુક્રવારે બીલીમોરા નગરપાલિકાના કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે પેજ કમિટી કેટલી જરૂરી છે એનો ચિતાર આપ્યો હતો. તેમણે રાજ્યમાં 15 લાખ પેજ બનાવવા અને દરેક પેજમાં 5 સભ્યોને જોડવાની વાત, સાથે 75 લાખ કાર્યકર્તાઓની ફોજ ઉભી કરવાની રણનીતિ દર્શાવી હતી. 75 લાખ કાર્યકર્તાઓ 3 મતદારોને પણ ભાજપ તરફ આકર્ષવામાં સફળ થાય, તો કુલ સવા બે કરોડ મતદારો સુધી પહોંચવાનો માસ્ટર પ્લાન બતાવ્યો હતો. ધારાસભ્ય અને સાંસદને પણ ચેતવણીપેજ કમિટી બનાવવાની વાત સાથે પ્રદેશ પ્રમુખ પાટીલે પક્ષના ઉચ્ચ પદાધિકારીઓ સાથે જ લોક પ્રતિનિધિઓ માટે પણ ચેતવણી આપી છે. પાટીલે જણાવ્યું કે, 7 દિવસમાં પેજ કમિટી ન બનાવાય, તો આગામી ચુંટણીમાં ફરી ટિકિટ આપવી કે કેમ એ વિચારવું પડશે. એમાં પછી ધારાસભ્ય હોય કે સાંસદ દરેકે સમય સર પેજ કમિટી બનાવવી પડશે.