દિલ્હી-

દેશમાં વિકસિત કોરોના રસી Covaxin પર દિલ્હી એમ્સમાં હ્યુમન ટ્રાયલ શરૂ થઈ ગયું છે. ટ્રાયલના પહેલા દિવસે ૩૦ વર્ષના એક વોલન્ટીયરને આ વેકસીન આપવામાં આવી હતી. ખાસ વાત એ છે કે આ રસીકરણ બાદ વ્યકિતને કોઈ પ્રકારનું રીએકશન જોવા મળ્યું નથી અને બે કલાક પછી તેને હોસ્પિટલમાંથી રજા પણ આપી દેવામાં આવી હતી. એમ્સમાં ટ્રાયલ પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર ડો. સંજય રાયે કહ્યું કે 'ટ્રાયલ શુરૂ થઈ ગયું છે અને ધીરે ધીરે ટ્રાયલમાં વોલન્ટીયર્સની સંખ્યા વધારવામાં આવી છે.'

જાણકારી અનુસાર અત્યાર સુધીમાં ૧૨થી વધુ વોલન્ટીયર્સને મેડિકલ ફિટનેસ મળી ચૂકયું છે. જે પૈકી બે વ્યકિતને શુક્રવારે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ એક વોલન્ટીયર વ્યકિતગત કારણોથી પહોંચી શકયો નહોતો. એટલે શુક્રવારે ફકત એજ વેકસીન આપવામાં આવી. ડો. સંજય રાયે કહ્યું કે ટ્રાયલનો પહેલો તબક્કો સેફટીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે અમે રસીકરણ બાદ વોલન્ટીયરને બે કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખ્યો હતો. જયારે તેમાં કોઈ પ્રકારનું રિએકશન જોવા ન મળ્યું ત્યારે તો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. 

ડોકટર્સે કહ્યું કે વોલન્ટીયર્સને એક ડાયરી આપવામાં આવી છે. જેને તેમણે મેઇન્ટેન કરવી પડશે. જો તેમને કોઈ તકલીફ જણાય તો તે અંગે ડાયરીમાં લખવાનું કહેવામાં આવ્યું છે. આ વોલન્ટીયરને ફોલોઅપ માટે ૭ દિવસ પછી ફરી બોલાવવામાં આવશે. પરંતુ આ વચ્ચે તેમને જો કોઈપણ પ્રકારની સમસ્યા રહે છે તો તેઓ ગમે તે સમયે હોસ્પિટલ આવી શકે છે. એટલું જ નહીં વેકસીન ટીમ ફોન દ્વારા તેમના સંપર્કમાં રહેશે. તેમનો દૈનિક સંપર્ક રાખીને તમામ માહિતી અને અપડેટ મેળવતા રહેશે. શનિવારે પણ વેકસીનેશન પ્રોગ્રામ શરૂ જ રહેશે. આજે ૩-૪ વ્યકિતઓને વેકસીન આપવામાં આવશે.