વડોદરા : ર૫-રપ વર્ષના સફળ સુશાસનની ગુલબાંગો હાંકતા ભાજપાના આકાઓની આંખે તમ્મર આવી જાય એવો એક બનાવ આજે કરજણ તાલુકાના કુરાલી ગામે બન્યો છે. જેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ચહેરા ઉપર પત્રકાર પરિષદ દરમિયાન સરેઆમ ચપ્પલ ફેંકવામાં આવ્યું હતું અને ભાજપાના નિષ્ફળ શાસન સામે રોષ વ્યક્ત કરાયો હતો. અબજાેની ખાયકી કરીને ઓડકાર સુધ્ધાં ન લેનાર અને છાતી કાઢીને ચાલતા ભાજપાના સ્થાપિત રાજકારણીઓના મોઢા ઉપર સણસણતા તમાચારૂપ ફેંકાયેલ આ ચપ્પલે દેશભરના મીડિયાને સનસનીખેજ સમાચારોનો અવસર પૂરો પાડયો છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ કરજણ વિધાનસભાની પેટાચૂંટણીમાં બે સ્થળોએ સભાને સંબોધવા માટે આવ્યા હતા. આ દરમિયાન સૌ પ્રથમ જાહેર સભા સાંજે પાંચ કલાકે કરજણ તાલુકાના કુરાલી ગામે પતાવીને પત્રકારોને સંબોધી રહ્યા હતા તે દરમિયાન ચપ્પલ ફેંકવાની ઘટના ઘટી હતી. જાે કે, સદ્‌ભાગ્યે આ ચપ્પલ ઈલેકટ્રોનિક મીડિયાના માઈક પર પડતાં નીતિન પટેલ હુમલાથી બચી ગયા હતા. પરંતુ આ ઘટનાને લઈને એકાએક હલચલ મચી ગઈ હતી. આ ઘટના સમયે કોણે ચપ્પલે ફેંકયું, ક્યાંથી ચપ્પલ ફેંકયું એનો કોઈ ખુલાસો થયો નથી. નાયબ મુખ્યમંત્રી જેવા મહાનુભાવની ઉપસ્થિતિ હોય અને આવી ઘટનાની પોલીસ સુધ્ધાંને ગંધ આવે નહીં કે પછી ચપ્પલ ફેંકનાર વ્યક્તિના સગડ મળે નહીં એ સૌથી શરમજનક બાબત શાસકો માટે આ કિસ્સામાં બનવા પામી હતી. સમગ્ર ઘટનામાં પોલીસ ઊંઘતી ઝડપાઈ છે કે પછી પોલીસે કોઈ અગમ્ય કારણોસર આંખ આડા કાન કર્યા છે એ બાબત તો વખત આવ્યે જ ખબર પડશે! પરંતુ જે કંઈ બન્યું એ અત્યંત નિંદનીય અને શરમજનક હોવાનું વિપક્ષ કોંગ્રેસે પણ જણાવ્યું છે.  

ચપ્પલ ફેંકાયા બાદ નાયબ મુખ્યમંત્રીની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો હતો. ચપ્પલ ફેંકનારી વ્યક્તિની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવામાં આવ્યાની ઘટના બાદ ચકચાર મચી ગઈ હતી. આ ઘટના પહેલાં નીતિન પટેલે સભાને સંબોધતાં કહ્યું, નરાધમોએ ગુજરાતના ગોધરામાં ટ્રેનને આગ લગાડવાનું પાપ કર્યુ હતું. કોંગ્રેસ અને અહેમદ પટેલે મોદી તથા અમિત શાહ પર ખોટા કેસ કરાવ્યા હતા. જેના કારણે આખી દુનિયામાં ગુજરાત રાજ્ય બદનામ થયું હતું. કમળ લોહીચુંબક છે, જે લોકોને ખેંચવાનું કામ કરે છે. કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો વિધાનસભામાં વિરોધ કરતા હતા. બાદમાં તેઓ આવીને મળતા ત્યારે કહેતા કે આ તો બોલવું પડે એટલે બોલીએ છીએ, બાકી સરકાર ખૂબ સારું કામ કરે છે.

ભાજપની સભા, ભાજપના કાર્યકરો તો કોંગ્રેસને દોષ કેમ? ઃ જયરાજસિંહ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ફેંકાયેલા ચપ્પલની ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમજ તેઓએ લોકશાહીમાં રોષ વ્યકત કરવાની આ પદ્ધતિ બિલકુલ વાજબી નથી એમ જણાવી ચલાવી લેવાય નહીં એવું સ્પષ્ટ જણાવ્યું હતું. તેઓએ ભાજપાની સભા અને ભાજપાના કાર્યકરોની ઉપસ્થિતિમાં બનેલી ઘટના બાબતે કોંગ્રેસ પર દોષનો ટોપલો ઢોળવાની વાત સામે નારાજગી વ્યક્ત કરી હતી. કોઈપણ ઘટના બને ત્યારે કોંગ્રેસ પર દોષારોપણ કરવું યોગ્ય નથી. ભાજપાએ સમજવું જાેઈએ કે પ્રજા અને ભાજપાના કાર્યકરોના માથે પક્ષપલટું ઉમેદવાર મુકી દીધા છે એનો રોષ છે, જે આમાં વ્યક્ત થયો છે. આત્મારામ કાકાનું ધોતિયું ખેંચનાર, દત્તાજીને જીવતા સળગાવવાનો પ્રયાસ કરનાર, સંજય જાેશીની સેક્સ સીડીનું કાવતરંુ કરનાર ભાજપ કયા મોઢે કોંગ્રેસને દોષ આપે છે. આ પેટા ચૂંટણીમાં પરિણામ વિપરીત આવવાનો અંદેશો ભાજપને આવી ગયો છે.