વડોદરા:વડોદરા કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષે ગઈકાલે અધિકારીઓની બેઠક બોલાવીને ખુલ્લામાં વેચવામાં આવતા મટન અને મચ્છી કે આમલેટની લારીઓ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેમાં જાહેર માર્ગો પર ખુલ્લામાં નોનવેજના જે પદાર્થો રાખવામાં આવે છે તેને ઢાંકીને રાખવા અને આવા ખાદ્યપદાર્થો ઢાંકીને નહીં રાખનાર તેમજ હાઈજેનિકતા નહીં જાળવનારા સામે કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.

રાજકોટના મેયરે મુખ્ય રસ્તા ઉપર મટન, મચ્છી કે આમલેટની લારી ચાર રસ્તા પર ઊભી નહીં રાખવા અને દુકાનોમાં ખુલ્લા રાખી મટન કે મચ્છી રાખનારા સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે ગઈકાલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા પણ અધિકારીઓની એક બેઠક બોલાવી નોનવેજની હોટલ તેમજ લારીઓ તેમજ આમલેટની લારી ચલાવનારને ૧૦ દિવસની મુદત આપી તેઓને જાહેર માર્ગો ઉપર નોનવેજના પદાર્થોને ઢાંકી રાખવા તેમજ હાઈજેનિક વસ્તુઓ લોકોને મળે તે રીતે રાખવા સૂચના આપી હતી તેમજ ટ્રાફિકને નડતરૂપ હોય તેવી લારીઓને દૂર કરવાની સૂચના આપી હતી.

સ્થાયી સમિતિના અધ્યક્ષે અધિકારીઓને સૂચના આપતાં જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં મટન કી મચ્છીની દુકાન કે લારી ધરાવનારા વેપારીઓ જે રીતે મટન જાહેરમાં લટકાવીને વેચાણ કરે છે તેને અટકાવવા તેમજ હાઈજેનિક રીતે વેચાણ કરે કે લોકોની લાગણી દુભાય નહીં એવી વ્યવસ્થા કરવા જણાવવામાં આવ્યું હતું.

સ્થાયી સમિતિના અધ્યક્ષ દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી હતી કે વડોદરા શહેરમાં જે કાયમી ધોરણે વાહનો પાર્કિંગ થાય છે તેઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરવાનો રહેશે. તદુપરાંત રસ્તા ખોદકામ કરીને જે ઓપ્ટિક ફાઈબર કેબલ નાખવામાં આવ્યા છે તેના ભાડાની કરોડો રૂપિયાની આવકની વસૂલાત કરવામાં બે વિભાગો વચ્ચે સંકલન રાખી તાત્કાલિક વસૂલાત કરવામાં આવે એ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે શહેરના મુખ્ય માર્ગો ઉપર ઓમલેટ અને નોનવેજની લારીઓ વધી ગઈ છે. ઉપરાંત અન્ય ખાણી

પીણીની લારીઓનો જમાવડો જાેવા મળે છે. પરિણામે અનેક મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે, સાથે સાથે સ્થાનિક રહીશોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.