આણંદ, તા.૭ 

સામાન્ય વરસાદે આણંદ તાલુકાના વેરાખાડી ગામે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી છે. તાજેતરમાં જ તંત્ર દ્વારા નવીન રસ્તો બનાવવામાં આવ્યો હતો. જાેકે, તંત્ર દ્વારા રસ્તાનું લેવલિંગ જાળવ્યાં વિના બનાવવામાં આવ્યો હોવાથી આજે પડેલાં સામાન્ય વરસાદમાં આ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં. ગામની મદની મસ્જિદથી ઈમામ ચોક સુધી પાણી ભરાઈ ગયાં હતાં. અત્રેથી અવરજવર કરવામાં ગ્રામજનોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા કર્યા વિના અને લેવલિંગ વગર રસ્તો બનાવવામાં આવતાં આજે સામાન્ય વરસદમાં આ રસ્તો બેટમાં ફેરવાઈ ગયો હતો. સાથે સાથે તંત્રના ભ્રષ્ટાચારની પોલ પણ ખુલી જવા પામી હતી. આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે તો આ સ્થળે કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે, તેની ચિંતા સ્થાનિક લોકોને કોરી ખાઈ રહી છે. તંત્ર તાકીદે આળસ ખંખેરી આ પ્રશ્નનો ઉકેલ લાવે તેવી ગ્રામજનોની માગણી છે.