ગાંઘીનગર-

હવામાન ખાતાના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં ગુજરાત રાજયમાં વરસાદ ઘટવાની શકયતા છે. આગામી પાંચ દિવસમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તથા દક્ષિણ ગુજરાત  અને કચ્છ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ થઇ શકે છે. આ સિવાય અન્ય જગ્યાએ વરસાદ હળવો કે નહિવત રહેશે. બંગાળની ખાડીના ઉતરી ભાગમાં હળવુ દબાણ તેમજ ઉત્તર-૫શ્ચિમ અરબી સમુદ્ર નજીક સાયકલોનીક સરકયુલેશન ઉ૫રાંત દક્ષિણ-૫શ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન નજીક એક બીજુ હળવુ દબાણ બનવાથી 29 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ દરમિયાન બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી દેવભુમી દ્વારકા ઉ૫રાંત ગુજરાતના અન્ય જિલ્લાઓમાં વરસાદ થવાની શકયતા છે.

સચિવાલયના કૃષિ વિભાગના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે તા.24.08.20 સુધીમાં અંદાજીત 82.98 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 79.70 લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 97.74% વાવેતર થયું છે. સિંચાઇ વિભાગના સત્તાવાર સુત્રોના જણાવ્યા પ્રમાણે સરદાર સરોવર જળાશયમાં 2,32,719 એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ સંગ્રહ શકિતના 69.66% છે. તેમજ રાજયનાં 205 જળાશયોમાં કુલ સંગ્રહ 74.89 % છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-136 જળાશય, એલર્ટ ૫ર કુલ-16 જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર 12 જળાશય છે.