વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના ફાયર અને સેફટી વિભાગ દ્વારા શહેરની ફાયર એનઓસી વિનાની તમામ બહુમાળી ઇમારતો સામે લાલ આંખ કરવામાં આવી છે.તેમજ આવી શહેરની સરકારી સહિતની અંદાજે ૧૫૦ જેટલી બહુમાળી ઈમારતોને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ એમાં કડક રીતે તત્કાળ ફાયર એનઓસી મેળવી લેવાને માટે જણાવવામાં આવ્યું છે,અન્યથા એમાં ચૂક કરનારની સામે કડકમાં કડક પગલાં લેવાની ચીમકી ઉચ્ચારવામા આવી છે.આ પગલાના ભાગરૂપે પાલિકા દ્વારા આવી ફાયર એનઓસી વિનાની બહુમાળી ઇમારતોના લાઈટ,પાણી અને ગટરના જાેડાણો કાપવા સુદ્ધાની ચીમકી ઉચ્ચારવામા આવી છે. જેને લઈને શહેરની આવી ફાયર એનઓસી વિનાની ઇમારતોના વહીવટકર્તાઓમાં ચહલપહલ મચી જવા પામી છે.કેટલાક વગદાર બિલ્ડરોની ઇમારતો સામે પણ આવી નોટિસ ફટકારવામાં આવતા રાજકીય દબાણનો દોર શરુ થયાનું પણ જાણવા મળ્યું છે. અલબત્ત પાલિકાના સબંધિત વિભાગ દ્વારા આને માટે કડક પગલાં લેવાનું શરુ કરી દેવામાં આવ્યું છે.જેના ભાગરૂપે ગુરુવારના રોજ પાંચ બિલ્ડીંગો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.જેમાં અલકાપુરીના શ્રીરામ ચેમ્બર્સ, વિન્ડસર પ્લાઝા, સયાજીગંજના અંતરિક્ષ કોમ્પ્લેક્ષ અને અલંકાર કોમ્પ્લેક્સ ઉપરાંત ફતેગંજના બ્લુ ડાયમંડ કોમ્પલેક્ષનો સમાવેશ થાય છે. પાલિકા દ્વારા જે બહુમાળી ઈમારતોને ફાયર એનઓસીને માટે નોટીસ ફટકારવામાં આવી છે. એમાં કેટલીક સરકારી ઇમારતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.એમાં જેલ રોડ પર આવેલ પોલીસ ભવન, નર્મદા ભવન, રાજમહેલ રોડ પર આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ભવન-જિલ્લા પંચાયત ભવન અને કલેકટર કચેરી ખાતે આવેલ કુબેર ભવનનો સમાવેશ થતો હોવાની આધારભૂત સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઇ છે. આમ ફાયર એનઓસીની બાબતમાં ખાનગી અને સરકારી બહુમાળી ઇમારતોના વ્યવસ્થાપકો દ્વારા પણ ભારે અનિયમિતતા દાખવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ પૈકી મોટાભાગની બહુમાળી ઇમારતો દ્વારા ગત ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ પૂર્ણ થયેલી ફાયરની એનઓસી રીન્યુ કરાવવામાં વિલંબ કરાયો હોવાથી નોટિસો પાઠવવામાં આવી હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.