વડોદરા

વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીને શહેરના કેટલાક સ્થાપિત હિતોએ ગટર ગંગા બનાવી દીધી છે. એટલું જ નહીં, કેટલીક જગ્યાએ નદીના કોતરોમાં પુરાણ કરી દેવામાં આવ્યું છે જેને લીધે નદીના પાણીનો પ્રવાહ અટકી જવાથી તેમાં ગંદકીના સામ્રાજ્ય સાથે પાણીના ખાબોચિયાં ભરાઈ જાય છે અને નદીએ ગંદકીનું સ્વરૂપ લઈ લીધું છે. ત્યારે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું વિશ્વામિત્રી નદીમાં ગંદકીના સામ્રાજ્ય પર ધ્યાન જતાં ડ્રેનેજના ગંદા પાણીને ધ્યાનમાં રાખી મહાનગરપાલિકાને નોટિસ આપી છે જેથી પાલિકાને હવે સોઈલ ટેસ્ટિંગ કરાવવાની ફરજ પડી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં જેલ રોડથી અલકાપુરી ગરનાળા તરફનો જે રસ્તો હતો તે સ્થળ પર વિશ્વામિત્રી નદી અને રેલવેલાઈન ઉપર બ્રિજ બાંધવામાં આવ્યો છે. જેલ રોડથી સયાજીગંજને જાેડતો વિશ્વામિત્રી નદી ઉપર ભીમનાથ બ્રિજ તરીકે જે હાલ ઓળખાય છે તેનું બાંધકામ થયું હતું તે દરમિયાન નદીના કોતરનું પુરાણ થઈ ગયું હતું. એટલું જ નહીં, હાલમાં વિશ્વામિત્રી નદીમાં અનેક જગ્યાએ ડ્રેનેજનું ગંદું પાણી પણ છોડવામાં આવે છે અને આવી રહ્યું છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. અને નિષ્કાળજી અંગે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપી હોવાનું જાણવા મળ્યું છે.