વડોદરા : વડોદરાના વિજય માલ્યા કહેવાતા અમિત ભટનાગરની કંપની ડાયમંડ પાવર સામે બેન્ક ઓફ ઈન્ડિયાએ રૂા.૯૫૪ કરોડની વસૂલી કરવા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં મોડે મોડે ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલે ભટનાગર બંધુઓની ત્રણ કંપનીઓને નાદારીની પ્રક્રિયા અંગેની નોટિસ જાહેર કરી છે. સીબીઆઈમાં નોંધાયેલી મૂળ ફરિયાદ ૨૬૫૪ કરોડની હતી જેમાં ૬ પૈકીની માત્ર એક બેન્ક ઓફ ઈન્ડિયાએ કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે પ્રજાના પૈસા ચાઉં કરવા બદલ જેલવાસ ભોગવી ચૂકેલી ભટનાગર ત્રિપુટી ઉપરાંત પરિવારની મહિલાઓની પણ મુશ્કેલી વધશે.

બહુચર્ચિત ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિ. કંપનીના અમિત ભટનાગર અને સુમિત ભટનાગરનું રૂા.૨૬૫૪ કરોડનું બેન્ક લોન કૌભાંડ સામે આવ્યું હતું. આ સમગ્ર ઘટના સપાટી પર આવતાં કંપની સાથે ફડચાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જે મામલે તાજેતરમાં અમદાવાદની ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ-ર દ્વારા ફુલેકાબાજ ભટનાગર બંધુઓને બેન્ક ઓફ ઈન્ડિયાના બાકી નીકળતા રૂા.૯૦૯ કરોડ ભરપાઈ કરવા માટે જાહેર નોટિસ ઈશ્યૂ કરી ૧૫ દિવસમાં નાણાં ભરપાઈ કરવા જણાવ્યું હતું. એક સમયે પેજ ૩ સોસાયટીમાં અમિત ભટનાગર અને સુમિત ભટનાગરનું નામ ભારે ચર્ચામાં રહેતું હતું. શહેરમાં વિદેશી કલાકારોના ભવ્ય કોન્સર્ટથી લઈને ગરબાના આયોજન સુધીમાં ભટનાગર બંધુઓની મહત્ત્વની ભૂમિકા રહેતી હતી. જાે કે, આ ઝાકઝમાળભર્યું ભટનાગર બંધુઓનું જીવન લાંબું ટકી શક્યું ન હતું અને ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિ.ના અમિત અને સુમિત ભટનાગરનું હજારો કરોડનું બેન્ક લોન કૌભાંડ સામે આવ્યું હતું અને ત્યાર બાદ ભટનાગર બંધુઓની પડતી શરૂ થઈ હતી.

ભટનાગર ત્રિપુટી કૌભાંડની તપાસમાં અનેક બેન્કો સાથે મળીને આશરે રૂા.૨૬૫૪ કરોડનો ચૂનો ચોપડયો હોવાની વાત સામે આવી હતી. ત્યાર બાદથી લઈને કંપની સામે ફડચાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. હાલ સરકારી ટેક્સ વિભાગોથી લઈને બેન્કો સુધીના બાકી નીકળતા નાણાં વસૂલવાની પ્રક્રિયા ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાપ અને બે પુત્રો કૌભાંડ બદલ જેલવાસ પણ ભોગવી ચૂકયા છે. તાજેતરમાં ડેબિટ રિકવરી ટ્રીબ્યુનલ-ર દ્વારા ડાયમંડ પાવર ઈન્ફ્રાસ્ટ્રકચર લિ. બેન્ક ઓફ ઈન્ડિયાના મામલે ડિમાન્ડ નોટિસ ઈશ્યૂ કરવામાં આવી હતી. નોટિસમાં અમિત સુરેશ ભટનાગર, સુમિત સુરેશ ભટનાગર અને સુરેશ એન.ભટનાગરનો ઉલ્લેખ છે. તમામને બેન્ક ઓફ ઈન્ડિયાના બાકી નીકળતા રૂા.૯૦૯ કરોડ ૬૯ લાખ ૧૫ દિવસમાં ભરપાઈ કરવા માટે જણાવાયું છે. એટલું જ નહીં, તા.૨૩-૧૨-૨૦૧૯ થી ૨૪-૧૨-૨૦૧૯ સુધીનું વ્યાજ અને રૂા.૧.૭૫ લાખ પણ ચૂકવવા જણાવાયું છે. જાે નિયત સમયમર્યાદામાં નાણાં ભરપાઈ કરવામાં નહીં આવે તો વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જેની સામે નોટિસ ઈશ્યૂ કરાઈ છે તે અમિત સુરેશ ભટનાગર, સુમિત સુરેશ ભટનાગર, સુરેશ એન.ભટનાગર (રહે. ૬, ગ્રીન પાર્ક, નિઝામપુરા, મે. ડાયમંડ પ્રોજેક્ટ લિ. બીઆઈડીસી ગોરવા, મે. માધુરી ફિનસર્વ પ્રા.લિ. રજિ. ઓફિસ શનશાઈન એપાર્ટમેન્ટ અલકાપુરી.