ગાંધીનગર-

ગુજરાતમાં શુક્રવારે સરકાર શિક્ષકોના ગ્રેડ ડાઉન કરવાના વિરોધમાં ચાલી રહેલા આંદોલન સામે ઝૂકીને તેમનો પગાર ઘટાડો મોકૂફ રાખ્યો છે. ત્યારે આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર સામે પ્રાથમિક શિક્ષકો બાદ રાજ્યના પોલીસ કર્મીઓએ પોતાના ગ્રેડ-પે મુદ્દે આંદોલન છેડ્યું છે. સરકાર સામે ફરી એકવાર કપરાં ચઢાણ દેખાઈ રહ્યા છે. ગુજરાતમાં સરકાર સામે વધુ એક ડિજિટલ આંદોલન પોલીસ કર્મીઓએ છેડ્યું છે. પોલીસ કર્મીઓએ સરકાર સામે ૨૮૦૦ ગ્રેડ પે આપવા માંગણી કરી છે. તેમને સવાલો વેધક છે, તેઓ સરકારને જણાવી રહ્યા છે કે, ‘અમે કોઈ એક પણ રજા લેતા નથી છતાં અન્યાય કેમ? આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતભરના પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પગારનો ગ્રેડ ઓછો હોવાથી તેઓ સોશિયલ મીડિયા પર પોતાનો અવાજ દર્શાવ્યો છે. હવે પોલીસનું ૨૮૦૦ ગ્રેડ પે આંદોલન સોશિયલ મીડિયામાં છવાઈ ગયું છે.

રાજ્યમાં પોલીસ કોન્સ્ટેબલને ૧૮૦૦ રૂપિયાનો ગ્રેડ મળે છે અને હેડ કોન્સ્ટેબલને ૨૦૦૦ રૂપિયાનો ગ્રેડ મળે છે. આ ગ્રેડમાં વધારા માટે હવે પોલીસ મેદાને છે. ગુજરાતના જાણીતા પોલીસ વિભાગે હવે ગુજરાત સરકાર સામે બાંયો ચઢાવી છે. શિક્ષકોના ડિજિટલ આંદોલનની ભવ્ય સફળતા બાદ પોલીસ કર્મીઓએ પણ સોશિયલ મીડિયા દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે કોન્સ્ટેબલને ૨૮૦૦ રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને ૩,૬૦૦ રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે અને એએસઆઈને ૨,૪૦૦ રૂપિયાના ગ્રેડ પે સામે ૪૪૦૦ રૂપિયાનો ગ્રેડ પે આપવામાં આવે. પોલીસ કર્મીઓ સરકારને જણાવી રહ્યા છે કે,

અમે કોઈ એક પણ રજા લેતા નથી છતાં અન્યાય કેમ?, અમારી સમસ્યા અનેક છે પરંતુ તેમની સમસ્યા રજૂ કરવા માટે કોઈ યૂનિયન નથી. ગુજરાતમાં ગ્રેડ પે વધારવા માટે શિક્ષકોએ આંદોલન કર્યા બાદ હવે પોલીસે પણ મોરચો માંડ્યો છે. ગુજરાત પોલીસે ગ્રેડ પે વધારવાની માંગણી સાથે હેશટેગ ૨ હજાર ૮૦૦ ગુજરાત પોલીસ નામનું અભિયાન શરૂ કર્યું છે. પોલીસનું આ અભિયાન શરૂ થતાં જ ટ્‌વીટર પર ટોપ ટ્રેન્ડમાં ચાલી રહ્ય્šં છે. સોશિયલ મીડિયા પર શરૂ થયેલા અભિયાનમાં પોલીસ કર્મચારીઓની વ્યથા ઠાલવવામાં આવી છે. જેમાં એક પણ રજા નહીં. નોકરીનો ફિક્સ સમય નહીં. તેમ છતાં સૌથી ઓછો પગાર હોવાનો ઉલ્લેખ કરાયો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને ટેગ કરી ગ્રેડ પે વધારવાની માંગણી કરાઇ રહી છે.