અમદાવાદ-

ગુજરાત હાઇકોર્ટે એક મહત્વના ચૂકાદામાં અન્ય વ્યવસાયમાં રોકાયેલા પરંતુ એલએલબીની ડીગ્રી ધરાવતા વ્યક્તિઓને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં સભ્ય તરીકે નોંધણી કરાવી તેઓને અદાલતમાં હાજરી આપવા માટે તથા કાનૂની પ્રેકટીસ માટે પ્રોવીઝનલ લાયસન્સ આપવાની મંજૂરી આપી છે. ઉપરાંત તેઓ ઓલ ઇન્ડીયા બાર ટેસ્ટ માટે પણ યોગ્ય ગણાશે. અને આ ટેસ્ટ મંજૂર કર્યા બાદ તેઓ પ્રેકટીસ કરી શકશે. ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ વિક્રમનાથ અને જે.બી. પારડીવાલાએ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં સભ્યોની નિયુક્તિ માટેની કલમ 1 અને 2ને રદ કરી હતી. જેમાં એવી જોગવાઈ હતી કે કોઇપણ અન્ય પ્રોફેશન કે વ્યાપાર કરતા વ્યક્તિને બાર કાઉન્સીલમાં એન્રોલ કરાવતા સમયે તેણે એવી ખાતરી આપવી પડશે કે તે એક વખત કાનૂની પ્રેકટીસ શરુ કરશે પછી પોતાના અન્ય વ્યવસાય કે વ્યાપારને છોડી દેશે. એલએલબીની ડીગ્રી ધરાવતા અને અન્ય પ્રોફેશનમાં રોકાયેલા એક ટવીંકલ માંગોનકર દ્વારા હાઈકોર્ટમાં કરાયેલી અરજી સંદર્ભમાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો અને જણાવાયું હતું કે તેઓ ઘરના એકમાત્ર કમાનાર વ્યક્તિ છે અને એડવોકેટ તરીકે પ્રેકટીસ કરવા માટે ઓલ ઇન્ડીયા બારની પરીક્ષા ક્લીયર કરી શકે તે સમયગાળામાં તેનો અન્ય વ્યવસાય છોડી શકે તેમ નથી તે કુટુંબના એકમાત્ર કમાનાર વ્યક્તિ છે. પરંતુ એકવખત તે આ એક પરીક્ષા ક્લીયર કરશે અને પ્રેકટીસ કરતા પૂર્વે પોતાની જોબ કે વ્યવસાય છોડી દેશે. હાઈકોર્ટે તેની નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે સીંગલ મધર તરીકે પોતાની હાલની જોબ છોડી શકે તેમ નથી તેથી આ પ્રકારે તે પ્રોવીઝનલ એન્રોલમેન્ટ મેળવી શકે છે અને એક વખત પરીક્ષા પાસ કર્યા બાદ તે પોતાની પ્રેકટીસ માટે અન્ય વ્યવસાય છોડશે. હાઈકોર્ટે આ અંગે બાર કાઉન્સીલના એ નિયમને રદ કર્યો હતો અને જણાવ્યું હતું કે એક વખત બાર પરીક્ષા પાસ કરના વ્યક્તિ જ્યાં સુધી પોતાના વર્તમાન વ્યવસાયને છોડે નહીં ત્યાં સુધી તેની પ્રોવીઝનલ સનદ બાર કાઉન્સીલ રોકી શકશે.