મુંબઈ-

હાલમાં સમગ્ર દેશમાં કોરોના સામેની લડાઈમાં વેક્સિન એક અસરકારક હથિયાર છે. તેવામાં હવે નકલી વેક્સિનના નામે પૈસા પડાવવાનો ચોંકાવનારો કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. મુંબઈના કાંદિવલી વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ૩૯૦ લોકોને નકલી રસી આપી દેવામાં આવી હતી અને પાંચ લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
૩૦ મેના રોજ કાંદિવલીની હીરાનંદાની હાઉસિંગ સોસાયટીમાં વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન કરાયું હતું. જેમાં ૩૯૦ લોકોને રસી આપવામાં આવી હતી. અને દરેક લોકો પાસેથી રસીના ૧૨૯૦ રૂપિયા લેવામાં આવ્યા હતા. પણ રસી લીધા બાદ સોસાયટીના એકપણ સભ્યને રસીને કારણે થતી સાઈડ ઈફેક્ટ જાેવા ન મળતાં તેઓને રસીને લઈને શંકા ગઈ હતી.

આ મામલે સોસાયટીમાં રહેતાં રાજેશ પાંડેએ કહ્યું કે, એક શખ્શે પોતાના કોકિલાબેન અંબાણી હોસ્પિટલના પ્રતિનિધિ ગણાવી સોસાયટી કમિટી સભ્યોનો સંપર્ક કર્યો હતો. તો અન્ય સભ્ય હિતેશ પટેલે જણાવ્યું કે, મારા પુત્રએ પણ રસી લીધી હતી. અને દરેક ડોઝ માટે અમે ૧૨૬૦ રૂપિયા આપ્યા હતા. રસી લીધા બાદ અમારા મોબાઈલ પર કોઈ મેસેજ આવ્યો ન હતો. આ ઉપરાંત રસી લીધા બાદ અમારામાંથી કોઈને પણ સેલ્ફી કે ફોટો ખેંચવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આમ ૩૯૦ લોકો પાસેથી પાંચ લાખ રૂપિયાની ઠગાઈની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.