અમદાવાદ-

હાલમાં અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. કેટલાક દર્દીઓને તો હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાઇ રહી છે. વિવિધ સોસાયટીમાં પણ લોકો ઓઇસોલેશન સેન્ટર ઉભા કરી રહ્યા છે હવે લોકો જાતે જ પોતાના માટે વ્યવસ્થા કરી રહ્યા છે. તેવામાં હવે અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન દ્વારા પણ આઇસોલેશન સેન્ટર ઉભુ કરવામાં આવ્યુ છે.

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરની તમામ ખાનગી હોસ્પિટલના બેડ હાઉસફુલ થઈ ચૂક્યા છે ત્યારે રામોલ પોલીસ સ્ટેશનના પી.આઈ કે.એસ દવે દ્વારા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. કોરોના કાળમાં નિષ્ઠાથી પોતાની ફરજ બજાવતા પોલીસકર્મીઓ માટે રામોલ પોલીસ સ્ટેશનમાં જ લાઈફ સેવિંગ સપોર્ટ વાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. જેથી કોરોનાથી સંક્રમિત થનાર પોલીસકર્મીને તાત્કાલિક સારવાર મળી રહે.

અમદાવાદ શહેરના કોરોના દર્દીઓની હાલ હાલત કફોડી છે. સરકારી હોસ્પિટલ હોય કે ખાનગી પૈસા ખર્ચતા પણ હોસ્પિટલમાં બેડ મળતા નથી જેને કારણે અમદાવાદમાં કોરોનાથી મૃત્યુ પામતા દર્દીઓનો મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં પોલીસકર્મીઓ વિવિધ ફરજો નિભાવતા હોય છે જેમાં સંક્રમિત થવાનો ખતરો વધી જાય છે અને આવી વિકટ પરિસ્થિતિમાં કામ કરનાર પોલીસકર્મીઓને યોગ્ય સમયે સારવાર મળવી પણ જરૂરી છે આ જ કારણથી અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરફથી શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને પોલીસ સ્ટેશનમાં જ લાઈફ સેવિંગ સિસ્ટમ ઉભી કરવાની સૂચના આપવામાં આવી હતી. જેના ભાગરૂપે રામોલ પોલિસ સ્ટેશનમાં જ 7 બેડની સુવિધા વાળો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

આ આઇસોલેશન વોર્ડની વિશેષતાની વાત કરીએ તો આ વોર્ડમાં એડમિટ થનાર પોલીસકર્મીને દિવસમાં 3 વાર મેડિકલ ઓફિસર દ્વારા ચેક અપ કરવામાં આવશે. આ સાથે જ પલ્મોલોજીસ્ટ તેમજ એમડી ફિઝિશિયન સાથે ઉપચાર અંગે ઓનલાઇન સંવાદ થઈ શકે તે માટેની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.તો રામોલ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસકર્મીને સમયસર સારવાર મળી રહે તે માટે વિવિધ સાધનો જેમ કે ઓક્સીમીટર , બ્લડપ્રેશર ચેકીંગ મશીન , ટેમ્પરેચર ગન પણ વસાવવામાં આવી છે. રામોલ પોલીસ સ્ટેશનમાં બનાવવામાં આવેલા આ આઇસોલેશન રૂમની સુવિધા નો લાભ ઝોન 5 અંતર્ગત આવતા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ લઈ શકશે