આણંદ : આણંદ બોરસદ દાંડી માર્ગ પર આવેલ નાવલી ગામ પાસે આણંદ જિલ્લા ભાજપના નવીન જિલ્લા કાર્યલાય કમલમનું આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સાથે બુથ પ્રમુખ સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. 

આજના કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત આણંદ જિલ્લાના ધર્મગુરુઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ધર્મગુરુઓનું ભાજપના આગેવાનોને હસ્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત ધર્મગુરુ દ્વારા નવાં કમલમ કાર્યાલયના પ્રસંગે આશીર્વાદ રૂપે આશીર્વચન આપવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે આણંદના સાંસદ મિતેષ પટેલના સૌજન્યથી આણંદ જિલ્લાના ૭ તાલુકાના ૨૬ દિવ્યાંગોને ટ્રાઈસિકલ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના શુભઆશિષ સહ દિવ્યાંગોને ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી હતી.

૫૦ વર્ષ બાદ આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમના નિર્માણ માટે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની પ્રેરણાંથી જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ તથા સાંસદ સભ્ય મિતેષભાઈ પટેલના પ્રયત્નો થકી રૂપિયા ૧.૭૫ કરોડ જેટલી માતબર દાનની સરવાણી જિલ્લાના કાર્યકરો, આગેવાનો અને વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા આગેવાનોએ વહાવી હતી.

આ કાર્યક્રમમાં આણંદ જિલ્લાના પેજ પ્રમુખને આઈકાર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સાથે વડોદરા સાંસદ રંજનબેન ભટ્ટની પ્રેરણાંથી આણંદ નગર પાલિકાની મહિલા કાઉન્સિલર બહેનોએ ૬ હજાર મહિલાઓની પેજ સમિતિ બનાવી હતી. તૈયાર કરેલ ફાઇલ પ્રદેશ મહામંત્રી ભુખુભાઈ દલાસણીયાને સુપરત કરી હતી.

આ પ્રસંગે આણંદ જિલ્લાના પૂજનીય ધર્મગુરુઓ, સંતો, મહંતો સહિત પ્રદેશ સંગઠન મહામંત્રી ભુખુભાઈ દલાસણીયા, પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલા, આણંદ પ્રભારી મંત્રી જયદ્રથસિંહ પરમાર, જિલ્લા ભાજપ ચૂંટણી ઇન્ચાર્જ શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, સાંસદ મિતેષભાઈ પટેલ, સાંસદ વડોદરા રંજનબેન ભટ્ટ, વિધાનસભા મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ધારાસભ્ય ગોવિદભાઈ પરમાર, મહેશભાઈ રાવલ, પૂર્વ સાંસદ દીપકભાઈ પટેલ, પૂર્વ રાજ્યસભા સાંસદ લાલસિંહ વડોદિયા, પૂર્વ જિલ્લા પ્રમુખ મહેશભાઈ પટેલ, જય પ્રકાશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય સી.ડી.પટેલ, જ્યોત્સનાબેન પટેલ, જશવંતસિંહ સોલંકી, સંજયભાઈ પટેલ સહિત જિલ્લા મંત્રી અને ભાજપના આગેવાનો, કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.