સુરત-

મીઠાઈ વગર દરેક તહેવાર અને શુભ પ્રસંગ અધૂરા છે. દિવાળી હોય કે રક્ષાબંધન, મીઠાઈથી મોઢું મીઠું કરાવતા જ તહેવારનો આનંદ બમણો થઈ જતો હોય છે. જેથી મીઠાઈ વિક્રેતાઓ દ્વારા પણ ઘણી તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતમાં રક્ષાબંધનના તહેવારને ધ્યાને રાખી આ વર્ષે માર્કેટમાં અનોખા પ્રકારની મીઠાઈઓ જોવા મળી છે. સુરતમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે અવનવી મીઠાઈઓ બને છે. જેમાં આ વખતે વધુ ત્રણ નવી મીઠાઈનો ઉમેરો થયો છે. આ વર્ષે સોનાની મીઠાઈ સાથે કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકત્રી અને બબલ્સ ગમ મીઠાઈ એટલે કે હાલમાં જ ખૂબ ચર્ચામાં રહેલું ગીત હવે મીઠાઈ સ્વરૂપે પણ જોવા મળ્યું છે. ભાઈ-બહેનના બચપનના પ્યારની યાદ અપાવતી આ મીઠાઈએ ખૂબ આકર્ષણ જગાવ્યું છે. લોકોના જીભે ચડેલું 'બચપન કા પ્યાર' ગીત હવે મીઠાઈ સ્વરૂપે જોવા મળ્યું છે. સુરતની એક મીઠાઈની દુકાનમાં કાર્બનમાંથી બનેલી ચારકોલ કાજુકત્રી, બબલ્સ ગમ મીઠાઈ અને બચપન કા પ્યાર નામથી મીઠાઈ વેચાણ માટે જોવા મળી છે. જેમાંથી 'બચપન કા પ્યાર' મીઠાઈ લોકો માટે હાલ આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. જે રીતે 'બચપન કા પ્યાર' ગીત ફેમસ થયું છે તેને ધ્યાને રાખી આ મીઠાઈ બનાવામાં આવી છે. લોકો પણ આ મીઠાઈને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોને પ્રથમ આ નવીન મીઠાઈ ટેસ્ટ કરાવામાં આવે છે. ટેસ્ટ કરતા જ ગ્રાહકો આકર્ષિત થઈ જાય છે.