મુંબઇ-

બોગસ ‘કોવિડ નેગેટિવ’ રિપોર્ટ બનાવી આપી લોકો સાથે છેતરપિંડી આચરવા બદલ ચારકોપ પોલીસે લેબ ટેક્નિશિયનની ગુરુવારે ધરપકડ કરી હતી. પકડાયેલો લેબ ટેક્નિશિયન મોહંમદ સલીમ શેખ મલાડના માલવણી વિસ્તારનો રહેવાસી હોઇ તેણે અત્યાર સુધીમાં ૩૭ લોકોને બોગસ કોવિડ નેગેટિવ રિપોર્ટ બનાવી આપ્યા છે.

લેબોરેટરીમાં કામ કરતા મોહંમદ સલીમ વિરુદ્ધ મહિલાએ ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાને મોહંમદે કોરોનાનો રિપોર્ટ કઢાવી આપ્યો હતો. મહિલાએ એ રિપોર્ટ કંપનીમાં આપ્યો હતો. કંપનીએ રિપોર્ટ પરનો ક્યુઆર કોડ સ્કેન કરતાં તે બોગસ હોવાનું જાણવા મળ્યું હતું. આથી કંપનીએ આની જાણ મહિલાને કરી હતી. મહિલાએ બાદમાં ચારકોપ પોલીસનો સંપર્ક સાધી આ પ્રકરણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે તપાસ કરી હતી, જેમાં આરોપી બોગસ કોવિડ નેગેટિવ રિપોર્ટ બનાવી આપતો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી જૂના કોરોના વાઇરસ ટેસ્ટ રિપોર્ટસની પીડીએફ ફાઇલમાં ફેરફાર કરીને રિપોર્ટ લોકોને પધરાવતો હતો. તે દરેક વ્યક્તિ પાસેથી રૂ. એક હજાર લેતો હતો.