આણંદ : વર્તમાન સમયમાં મુસાફરો તેમજ સ્થાનિકોની અવર જવર ખૂબ જ ઓછી છે. આવા સમયે રિક્ષાચાલક મુસાફરો અને સ્થાનિકોની સવારી માટે રાહ જાેને બેઠાં હોય અને અચાનક કોઈ મુસાફર તેમની પાસે આવે તો તરત તેનાં મોંઢામાંથી શબ્દો નીકળી પડે છે, બોલો સાહેબ ક્યાં જવું છે..? 

કહેવાય છે ને કે, અંધકારમાં સૂર્યનું એક કિરણ પણ દેખાઈ જાય તો રસ્તો આપ મેળે મળી જાય છે. લોકડાઉનના કપરાં કાળમાં ઘરે બેસી રહ્યાં હોવા છતાં પણ કોઈની સાથે પોતાનો હાથ ન લંબાવી સ્વાભિમાનથી પોતાનું ગુજરાન ચલાવતાં રિક્ષાચાલકની મદદે આત્મનિર્ભર યોજના આળી હતી.

વાત કંઈક એવી છે કે,યોગેશભાઈ વાળંદ છેલ્લાં ૨૨ વર્ષથી સ્કૂલ રિક્ષાની વર્ધી અને અન્ય વર્ધી કરી પોતાના પરિવારની આજીવિકા ચલાવી રહ્યાં છે. કોરોના કાળમાં દેશ અને રાજ્યમાં લોકડાઉન અમલી બન્યું હતું, જેનાં કારણે તેમની સ્કૂલોની વર્ધી અને અન્ય વર્ધી પણ બંધ થઈ ગઈ હતી. હજુ પણ આ વર્ધીઓ શરૂ થઈ નથી. તેમની આવકનો સ્ત્રોત પણ બંધ થઈ ગયો હતો. પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની ગયું હતું. રાજ્ય સરકાર દ્વારા આવા રોજે રોજનું કમાઈને પોતાના પરિવારનું પેટીયું રળતાં લોકોને અનલોકમાં આર્ત્મનિભર બનાવવા માટે આર્ત્મનિભર સહાય યોજના અંતર્ગત વાર્ષિક માત્ર ૨ ટકાના દરે રૂ.૧ લાખની લોન આપી આર્ત્મનિભર બનાવવા માટેની યોજના અમલમાં મૂકી છે. આ યોજનાનો લાભ યોગેશભાઈ વાળંદે મેળવ્યો હતો.

આર્ત્મનિભર સહાય યોજના અંતર્ગત સહાય મળતાં યોગેશભાઈ વાળંદ કહે છે કે, સરકારે લોકડાઉનમાં આર્ત્મનિભર સહાય યોજનાની જાહેરાત કરી અમારાં જેવાં પરિવારોમાં આશાનું એક નવું કિરણ જગાડ્યું છે. લોકડાઉનના સમયમાં મનમાં સતત એક પ્રશ્ન થતો હતો કે, જ્યારે લોકડાઉન ખુલશે ત્યારે કઈ રીતે ફરી પાછી રોજગારી મેળવીશું? આર્ત્મનિભર સહાય યોજનાની જાહેરાત થતાં જ હું આણંદની સરદાર ગંજ મર્કંન્ટાઈલ કો.ઓ. બેંકમાં પહોંચી ગયો હતો. જ્યાં લોન મેળવવા માટેની માહિતી મેળવી અરજી કરી હતી. બેંક દ્વારા મારાં જરૂરી દસ્તાવેજાેની ચકાસણી કરી લોન મંજૂર કરી લોનના નાણાં ચૂકવતાં મારાં મનમાં સતત સતાવી રહેલાં પ્રશ્નનો હલ મળી ગયો હતો અને હું ચિંતા મુક્ત બન્યો હતો.

અંતમાં યોગેશભાઈ કહે છે કે, પૈસા મળતાં હવે રિક્ષામાં નાનું મોટું રીપેરિંગ કરાવી ફરી કામે લાગી જઈશ. લોકડાઉનના દિવસોમાં રિક્ષા બંધ રહેતા તેમાં વધુ રીપેરિંગ કરાવવાની જરૂરીયાત ઊભી થઈ ગઈ હતી. આર્ત્મનિભર સહાય યોજનાની લોન મળતાં રિક્ષાના રીપેરિંગની ચિંતામાંથી મુક્ત થઈ ગયો છું.