વડોદરા,તા. ૨૨ 

કોરોના મહામારી વચ્ચે ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પર ફી ભરવા અંગે દબાણ કરવામાં આવતું હોવાથી આ અંગે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. જે અંગે હાઇકોર્ટે બેફામ ફી ઉઘરાવતા શાળા સંચાલકો સામે ફટકાર લગાવી છે. હાઇકોર્ટના ઓર્ડર પ્રમાણે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા આજે પરિપત્ર જાહેર કર્યો હતો.જેમાં સ્કૂલો ન ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો ફી અંગે દબાણ નહિ કરી શકે અને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફનો પગારકાપ પણ નહિ કરી શકે.

સ્વનિર્ભર ખાનગી શાળાઓ દ્વારા ફી ની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાના સેંકડો કિસ્સાઓ વચ્ચે શિક્ષણ વિભાગ દ્વારા વાલીઓ માટે રાહત મળે તેવો મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે, હાલ શાળાઓ બંધ હોવાથી જ્યાં સુધી સ્કૂલો ન ખુલે ત્યાં સુધી શાળા સંચાલકો વાલીઓને ફી ભરવા માટે દબાણ નહિ કરી શકે. આ ઉપરાંત શિક્ષકો તેમજ શાળામાં કામ કરતા બિનશૈક્ષણિક કર્મચારીઓના પગાર કાપવામાં આવી રહ્યા હતા. જેની સામે પગારકાપ પણ નહિ કરવાની સૂચના આપવામાં આવી છે. આ અંગે હાઇકોર્ટમાં કરવામાં આવેલી એક જાહેર હિતની અરજીની સુનવણી દરમ્યાન હાઇકોર્ટે ખાનગી શાળા સંચાલકોના વલણ વિરુદ્ધ ફિટકાર વરસાવ્યો હતો. જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આજે સવારે શિક્ષણ વિભાગ દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવતા વાલીઓમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો હતો. વડોદરા પેરેશન્ટ્‌સ એસોસિયેશન દ્વારા શિક્ષણ વિભાગના આ નિર્ણયને આવકારવામાં આવ્યો હતો. જોકે, આજે સાંજે રાજ્યની તમામ ખાનગી શાળાઓના સંગઠન દ્વારા બોલાયેલી મિટિંગમાં સરકારના આ નિર્ણયને આઘાતજનક ગણાવીને ઓનલાઇન શિક્ષણ બંધ કરવાની જાહેરાત કરાતા વાલીઓ અવઢવમાં મુકાયા હતા. શહેરની ૩૦૦થી વધુ ખાનગી સ્વનિર્ભર શાળાઓના સંગઠનના અધ્યક્ષ તેજલ અમીન તેમજ જિલ્લા શિક્ષણાધિકારી યુ.એન. રાઠોડ સાથે વાત કરવા જતા તેઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.

શિક્ષણનું સ્તર સુધારવા સરકાર હસ્તક્ષેપ કરી શકે છે

હાઇકોર્ટની સૂચના અનુસાર ગુજરાત સરકાર દ્વારા શાળાઓ શરુ ન થાય ત્યાં સુધી ફી અંગે દબાણ ન કરી શકાય, તે માટેનો પરિપત્ર આજે જાહેર કરવામાં આવ્યો છે. જે આવકારવા લાયક છે. પરંતુ આ પરિપત્ર બાદ ઘણીબઘી શાળાઓ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કરી રહી છે. જે અયોગ્ય તો છે જ પરંતુ સરકાર શિક્ષણનું સ્તર સુધારવા માટે હસ્તક્ષેપ કરી શકે છે અને હાલમાં એપેડેમિક એક્ટ પણ લાગુ છે. જેના કારણે શાળા સંચાલકોના આ મનસ્વી વર્તન અંગે સરકાર તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે.

કિશોર પિલ્લાઈ, વડોદરા પેરેન્ટ્‌સ એસોસિયેશન

સંવેદનશીલ સરકારે ઠુકરાવેલી વાલીઓની વેદનાને હાઇકોર્ટે ધ્યાને લીધીઃ પ્રશાંત પટેલ

કોંગ્રેસ દ્વારા કોરોનાની મહામારીને લઈને સર્જાયેલી વિકટ સ્થિતિમાં પ્રથમ સત્રની ફી માફીની માગ સત્રના પ્રારંભ પહેલાથી જ કરવામાં આવી હતી.પરંતુ વાલીઓની આ માગણી અને લાગણીને ચાર ચાર માસ સુધી સંવેદનશીલ સરકારે ઠુકરાવે રાખી હતી. આખરે હાઇકોર્ટે આદેશ કરતા ગુજરાત સરકારને આ બાબતે આદેશ કરવાની ફરજ પડી છે.એમ જણાવી વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ પ્રશાંત પટેલે કોર્ટના નિર્ણયને આવકાર્યો હતો.એની સાથોસાથ આ બાબતે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ વડોદરાથી શરુ થયેલી ચળવળને રાજ્ય વ્યાપી વ્યાપ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.ઓનલાઇન શિક્ષણના નામે ફી ઉઘરાવીને વાલીઓ પાસે મોબાઈલ,ઇન્ટરનેટ,લેપટોપ જેવા વધારાના ગજા બહારના ખર્ચાઓ કરાવવાના તુતની વિરુદ્ધમાં કોંગ્રેસે ઉપાડેલા વાલીઓની તરફેણના આંદોલનમાં આખરે જીત થઇ છે.ઓનલાઇન શિક્ષણમાં વાલીઓના માથે વધારાનું આર્થિક ભારણ ઠોકી બેસાડાયું હતું.તેમ છતાં સરકાર શાળા સંચાલકો સામે મૂક પ્રેક્ષક બનીને પડખે ઉભી રહી હતી.આખરે સત્ય સામે સરકારને પણ ઝુકવુ પડ્યું છે.

સરકાર આદેશ પાછો નહિ ખેંચે ત્યાં સુધી ઓનલાઇન શિક્ષણ સહિતની તમામ કામગીરી બંધ રહેશે ઃ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

કોરોના મહામારીને કારણે ૧૬ માર્ચથી તમામ શાળાઓ બંધ કરવામાં આવી હતી. સરકારી કેલેન્ડર મુજબ ૮ જૂનથી નવું શૈક્ષણિક સત્ર શરુ થતું હતું. પરંતુ સરકાર જણાવે છે કે ઓનલાઇન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ નથી. દેશના ૧૬થી વધુ રાજ્યની હાઇકોર્ટના આદેશ છે કે, હાલમાં ઓનલાઇન શિક્ષણ જ વિકલ્પ હોવાથી શાળાઓ તેના માટે ફી લઇ શકે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટના આ આદેશથી નારાજ થઈને ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ પણ હાઇકોર્ટના દ્વાર ખખડાવશે અને જ્યાં સુધી રાજ્ય સરકાર પોતાનો આ નિર્ણય પાછો નહિ લે ત્યાં સુધી આવતીકાલથી ઓનલાઇન શિક્ષણ સહિતની શાળાઓની તમામ કામગીરી બંધ રાખવામાં આવશે. - દિપક રાજ્યગુરુ, પ્રવક્તા, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ

 શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને ચુકવેલ પગાર ફી નિર્ધારણ સમિતિ ધ્યાને લેશે

શિક્ષણવિભાગના પરિપત્રમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, તમામ સ્વનિર્ભર શાળાઓએ પોતાને ત્યાં કામ કરનાર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફને લોકડાઉનના સમય દરમ્યાનનો પુરેપુરો પગાર ચૂકવવો પડશે. શાળાઓએ ચુકવેલ વેતનનો વાસ્તવિક ખર્ચ આગામી શૈક્ષણિક વર્ષની ફી નક્કી કરતી વખતે ફી નિર્ધારણ સમિતિ ધ્યાને લેશે.

વાલીઓને સ્પર્શતા મહત્વના મુદ્દા

• શાળાઓ બંધ થઇ ત્યારથી પુનઃ શરુ થાય ત્યાં સુધી કોઈપણ ફી વસૂલી શકાશે નહિ

• અગાઉથી ભરેલી ફી શાળા શરુ થાય ત્યારે સરભર કરી આપવી પડશે

• કોઈ સ્વનિર્ભર શાળા શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૧માં ફી વધારો કરી શકશે નહિ

• ૩૦ જૂન સુધીની ફી ન ભરનાર વિદ્યાર્થીને શાળામાંથી દૂર કરી શકાશે નહિ

• રાઈટ ટૂ એજ્યુકેશન અંતર્ગત પ્રાથમિક વિભાગના એકપણ વિદ્યાર્થીને કાઢી મુકાશે નહિ.