રાજકોટ-

કોરોનાની બીજી ઘાતક લહેરમાં કોરોના કેસની સાથે સાથે મૃત્યુઆંકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. રાજકોટમા જે રીતે સ્મશાનમાં લાંબી લાઇનો અને વેઇટિંગનાં દૃશ્યો જાેવા મળ્યાં હતાં એવી જ સ્થિતિ હવે કબ્રસ્તાનની પણ જાેવા મળી રહી છે. એ માટે રાજકોટ મુસ્લિમ સમાજના અગ્રણી તંત્ર અને સરકાર પાસે કબ્રસ્તાન માટે જમીન ફળવવા માગ કરી છે.

એક તરફ, રાજકોટની તમામ ખાનગી હોસ્પિટલોમાં બેડ ખૂટી પડ્યાં છે તો બીજી તરફ, સ્મશાનમાં પણ અંતિમક્રિયા માટે વેઇટિંગ જાેવા મળી રહ્યું છે. ફક્ત સ્મશાનમાં જ નહીં, પરંતુ કબ્રસ્તાનમાં પણ આવી સ્થિતિ છે. હાલ રાજકોટ શહેરમાં અલગ-અલગ નવ જગ્યા ઉપર કબ્રસ્તાન આવેલાં છે, પરંતુ મોટા ભાગના કબ્રસ્તાનમાં દફનવિધિ માટે જગ્યાઓ ખૂટી પડી છે. મુસ્લિમ આગેવાનો દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની માગણી કરવામાં આવી છે.

કોરોનાથી મૃત્યુ થતાં મુસ્લિમ સમાજના લોકોને દફનવિધિ માટે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મુસ્લિમ આગેવાનો દ્વારા કબ્રસ્તાનમાં કોઇપણ પ્રકારની વ્યવસ્થાઓ નહીં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને હાલની પરિસ્થિતિ મુજબ કબ્રસ્તાનમાં જગ્યા નહિ હોવાને કારણે મૃતકનાં પરિવારજનોને પોતાની રીતે જ કફન માટે ખાડો ખોદવો પડી રહ્યો છે. તો બીજી તરફ, જગ્યાના અભાવે પોતાનાં અન્ય પરિવારજનો જ્યાં દફન કરાયેલાં છે ત્યાં જ હાલ મૃત્યુ પામેલાં પરિવારજનોની દફનવિધિ કરવામાં આવી રહી છે. ત્યારે મુસ્લિમ આગેવાનો દ્વારા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનરને આ પરિસ્થિતિની જાણ કરવામાં આવી છે અને દફનવિધિ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે એવી પણ માગણી કરવામાં આવી છે.