દિલ્હી-

ગ્રાહકોના હિતની રક્ષા કરવા માટે હવે મોદી સરકારે પોતાની કમર કસી લીધી છે. અવાર નવાર ગ્રાહકો સાથે નવી-નવી રીત વડે છેતરપિંડીના કેસ પર લગામ કસવા માટે કેન્દ્ર સરકાર નવો કાયદો લાગૂ કરવાની છે. ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019ને રોજ 20 જુલાઇથી લાગૂ કરી દેવામાં આવશે. નવો કાયદો ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986નું નવું સ્વરૂપ હશે.

કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયની એડિશનલ સચિવ નિધિ ખરેએ એક રાષ્ટ્રીય મીડિયા ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર આગામી સોમવારે નવો ગ્રાહક સુરક્ષા અધિનિયમ-2019ને લાગૂ કરી રહી છે. આ નવો કાયદો લાગૂ થતા નીચે મુજબના વિશેષ ફેરફાર આવશે.

તમને જણાવી દઇએ કે ગ્રાહક સુરક્ષા કાયદો ૨૦૧૯ ઘણા સમય પહેલાં તૈયાર થઇ ચૂક્્યો છે. જેનો અમલ કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનના કારણે પાછળ ઠેલી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે 20 જુલાઈથી આ કાયદો લાગુ થશે.

નવા કાયદામાં આ છે વિશેષતાઓ

– નવા કાયદામાં ગ્રાહકોને લલચાવવા માટે ભ્રામક જાહેરાત કરવામાં આવતાં કાર્યવાહી કરવામાં આવશે.

– ગ્રાહકો દેશની કોઇપણ કંઝ્યૂમર કોર્ટમાં કેસ દાખલ કરી શકશે.

– નવા કાયદામાં ઓનલાઇન અને ટેલિશોપિંગ કંપનીઓને પહેલીવાર સામેલ કરવામાં આવી છે.

– ખાવા પીવાની વસ્તુઓમાં ભેળસેળ હશે તો કંપનીઓ પર દંડ અને જેલની જાેગવાઇ છે.

– કંઝ્યૂમર મીડિએશન સેલની રચના. બંને પક્ષ પરસ્પર સહમતિથી મીડિએશન સેલ જઇ શકશે.

– પીઆઇએલ અથવા જનહિત અરજી હવે કંઝ્યૂમર ફોરમમાં ફાઇલ કરી શકાશે. પહેલાંના કાયદામાં આમ ન હતું.

– કંઝ્યૂમર ફોરમમાં એક કરોડ રૂપિયા સુધીના કેસ દાખલ થઇ શકશે.

– સ્ટેટ કંઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશનમાં એક કરોડથી દસ કરોડ રૂપિયા સુધી કેસોની સુનાવણી થશે.

– નેશનલ કંઝ્યૂમર ડિસ્પ્યૂટ રિડ્રેસલ કમીશનમાં દસ કરોડથી ઉપરના કેસોની સુનાવણી થશે.