વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની મુખ્ય કચેરીના નવા બિલ્ડિંગમાં બીજા માળે આવેલ પાણી પુરવઠાની કચેરીમાં પાણીના નવા જાેડાણને માટે રાજકીય પક્ષના નેતા પાસે અધિકારીએ લાંચની માગણી કરી હોવાના આક્ષેપ સાથે સાંજે ૫ઃ૩૦ કલાકે પાણીપત સર્જાવા પામ્યું હતું. જેમાં પાલિકાના પાણી પુરવઠાના નાયબ કાર્યપાલક ઈજનેર હેમલસિંહ રાઠોડે પાલિકાની શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને રાષ્ટ્રીય સમાજ પક્ષના કાર્યકારી પ્રમુખ નલિન મહેતા સાથે છુટ્ટા હાથની મારામારી કરીને ખુરશી વડે હુમલો કરતા ઈજાઓ પહોંચી હતી. આ હુમલામાં નલિન મહેતાને મોઢા પર અને હાથમાં આંગળીમાં ઈજાઓ પહોંચી હતી. તેમજ નાકમાંથી લોહી નીકળ્યું હતું. આ ઇજાને લઈને તેઓએ શહેરની સયાજી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બેઠા મારને કારણે તેઓના એક્ષરે અને સીટી સ્કેન લીધાનું સૂત્રોએ જણાવ્યું હતું. જાે કે અલબત્ત ફરજ પરના તબીબોના જણાવ્યા અનુસાર તેઓની ઈજાઓ સામાન્ય છે. કોઈ ગંભીર ઈજાઓ પહોંચી નથી. પાલિકાની કચેરીમાં અરજદાર અને અધિકારી વચ્ચે બબાલની વાત વાયુ વેગે પ્રસરી જતા એક તબક્કે પાણી પુરવઠાની કચેરી પર કર્મચારીઓનો જમાવડો થવા પામ્યો હતો. જાે કે એક તરફ નલિન મહેતા આ અંગે પોલીસ ફરિયાદ કરાવવા મક્કમ છે. તો બીજી તરફ પાલિકાના અધિકારીઓ પણ સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરનાર છે. ભૂતકાળમાં પણ આ અધિકારીએ આજ પ્રમાણે વર્તન કરીને અવારનવાર અરજદારોની સાથે માથાકૂટ કર્યાનું પાલિકા કેમ્પસમાં ચર્ચાતું હતું. જેનો અનુભવ અન્ય નેતાઓને પણ થયાના આક્ષેપો અધિકારી સામે થઇ રહયા છે. પાલિકાના પૂર્વ કમિશ્નરે આ પાણી પુરવઠા વિભાગની ભૂતકાળની માથાકૂટમાં વચ્ચે પાડીને સમાધાન કરાવ્યાનું પણ ચર્ચાય છે. આ સમગ્ર માથાકૂટ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર પાણી પુરવઠા કચેરીમાં ફરજ બજાવતા અધિકારી હેમલસિંહ રાઠોડ દ્વારા જાંબુવાના સનગોલ્ડ કોમર્શિયલ કોમ્પ્લેક્સની પાણીના જાેડાણની ફાઈલ દબાવી રાખીને એક લાખની ખુલ્લેઆમ લાંચની માગણીનો આક્ષેપ કરાયો હતો.

આ લાંચ ન મળતા પાલિકાના અધિકારી દ્વારા ફાઈલ એક યા બીજા બહાના હેઠળ દબાવી રાખવામાં આવી હતી. તેમજ આ ફાઈલ પોતાની પાસે હોવા બાબતે ઇન્કાર પણ કર્યો હતો. જેને કારણે આ પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા રાષ્ટ્રીય સમાજ પક્ષના કાર્યકારી પ્રમુખ નલિન મહેતા સાથે અધિકારીએ ઉદ્ધતાઈભર્યું વર્તન કરીને ખુરશી ઉગામીને માર મારતા તેઓને ઇજા પહોંચી હતી.

પાલિકા કચેરીની ઓફિસોમાં જ સીસીટીવીનો અભાવ

વડોદરા મહાનગર પાલિકાના પૂર્વ શાસકો શહેરને સ્માર્ટ સીટી બનાવવાને માટે નીકળયા છે. ૫૬ની છાતી ફુલાવીને પાલિકાનું તંત્ર પોતાના કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરને માટે ગર્વ લઇ રહ્યું છે. પરંતુ ખાટલે મોટી ખોડ હોય એમ પાલિકાની મુખ્ય કચેરીમાં જ આવેલ વિવિધ વિભાગોની કચેરીઓમાં ક્યાંય સીસીટીવીની સુવિધા નથી. જેને કારણે આજના બનાવના કોઈ પુરાવા પાલિકા પાસે ઉપલબ્ધ નથી. માત્રને માત્ર ઉપલબ્ધ અને વાયરલ થયેલ વિડીઓના આધારે જ તપાસ કરવાનો વારો આવ્યો છે. આમ સીસીટીવી બાબતે ખાટલે જ મોટી ખોડ હોવાનું ખુલવા પામ્યું છે.

જાંબુવામાં પાણીની તંગીને લઈને કોઈને જાેડાણો અપાતાં નથી

પાલિકાના પાણી પુરવઠાના અધિકારી અમૃત મકવાણાએ જણાવ્યું હતું કે સાઉથ ઝોનમાં પાણીની તંગીને કારણે લાંબા સમયથી પાણીના નવા જાેડાણો મંજુર કરવામાં આવતા નથી. તેમ છતાં નલિન મહેતાએ જે રીતે દબાણ લાવીને ગાળાગાળી કરીને કચેરીનું વાતાવરણ તંગ બનાવી દીધું હતું. તેમજ વિભાગના અધિકારી હેમલસિંહ રાઠોડ સાથે ઝપાઝપી કરી હતી. એની માહિતી મેળવવામાં આવી છે. તેઓના પ્લમ્બર બાબુભાઇ પરમારે દાબ દબાણ લાવીને ગુસ્સો કરી બહાર જઈને ચારથી પાંચ માણસો લાવીને બબાલ મચાવ્યાનું ઉમેર્યું હતું.