ગાંધીનગર:

ગુજરાત અને રાષ્ટ્રીય કોંગ્રેસનું સત્તાવાર ટ્વિટર હેન્ડલ એકાઉન્ટને ટ્વિટર દ્વારા લોક કરવામાં આવ્યું છે. જે સરકારના ઇશારા ઉપર ટ્વિટર દ્વારા લોક કરાયું હોવાનો દાવો ગુજરાત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સોશિયલ મીડિયા હેડ તરફથી કરવામાં આવ્યો છે. કોંગ્રેસનાં સોશિયલ મીડિયા દ્વારા એવો પણ દાવો કરાયો છે કે, દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે તો આ ગુનો અમે 100 વખત કરીશું.

કોંગ્રેસ પક્ષ દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે, ગુજરાત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેન્ડલને ટ્વિટર દ્વારા લોક કરવામાં આવ્યું છે. ગુજરાત અને રાષ્ટ્રીય કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ હેન્ડલને ટ્વિટર દ્વારા લોક કરાયું છે, તે સ્થિતિને કોંગ્રેસ પક્ષ દ્વારા ડિજિટલ ઈમરજન્સી તરીકે ગણાવીને કેન્દ્રની મોદી સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસનાં સત્તાવાર હેન્ડલને ટ્વિટર દ્વારા લોક કરવામાં આવ્યું તે અગાઉ કોંગ્રેસનાં સિનિયનર નેતા અને પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના અનેક નેતાઓના ટ્વિટર એકાઉન્ટ લોક કરાયા હતા.

કોંગ્રેસ પક્ષ દ્વારા જણાવાયું હતું કે, મુંબઈ કોંગ્રેસ, પક્ષના વરિષ્ઠ નેતા અજય માકન, રનદીપસિંહ સૂરજેવાલા, જિતેન્દ્રસિંહ, સુષ્મિતા દેવ, મણિકમ ટાગોરના એકાઉન્ટ પણ લોક કરાયા હતા.કોંગ્રેસનાં સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય હેડ રોહણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, ટ્વિટર કંપની સરકારના દબાણમાં આવીને કામ કરી રહી છે. તેણે દેશભરમાં અમારા નેતાઓ અને કાર્યકર્તાઓના 5000 જેટલા એકાઉન્ટ બ્લોક કર્યા છે. ટ્વિટરે સમજવું પડશે કે, અમને ટ્વિટર કે સરકાર દબાવી શકતી નથી.

જ્યારે ગુજરાત કોંગ્રેસનાં સોશિયલ મીડિયા હેડ હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, દલિત વર્ગની દુષ્કર્મ પીડિતાને ન્યાય અપાવવા માટે રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું. જેના કારણે સરકાર ડરી ગઈ છે અને ભયભીત બની છે. આથી સરકાર દ્વારા કોંગ્રેસનાં નેતાઓના ટ્વિટર એકાઉન્ટને કંપનીના માધ્યમથી લોક કરાવાયા છે. જો દુષ્કર્મ પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવવો ગુનો છે, તો અમે આ ગુનો સો વખત કરીશું. જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરવામાં આવ્યા હતા, ત્યારે અમે ડર્યા ન હતા તો હવે ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાથી શું ડરીશું. અમે જનતાનો પ્રતિસાદ છીએ, અમે લડીશું અને લડતાં રહીશું.