લોકસત્તા વિશેષ : શહેરના જુદા જુદા ઝોનમાં કાચા રસ્તા પાકા કરવા માટેના કરોડો રૃપિયાના ટેન્ડરમાં પડતર કિંમત કરતા ઓછી કિંમતે કામ કરવા માટેની કોન્ટ્રાકટરોએ દર્શાવેલી તૈયારી પાછળ માત્ર કાગળ પર કામગીરી બતાવી બીલો મંજુર કરવાના કૌભાંડને લોકસત્તા જનસત્તા દ્વારા ખુલ્લું પાડવામાં આવતા આખરે સ્થાયી સમિતિએ આજે આ કામને મુલત્વી કરવાનો ર્નિણય કર્યો છે. રસ્તાને કાચા-પાકા કરવાના કરોડોના ટેન્ડરમાં ચાલતા ખાયકીના પાકા ખેલને રદ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે સ્થાયી સમિતિએ આ કામો પર કામચલાઉ બ્રેક મારી છે. આજની બેઠકમાં રોડ શાખાના અધિકારીઓ હાજર હોવા છતાં તેઓ પાસેથી આ ખેલની પુછપરછ કરવાના બદલે સ્થાયી સમિતિએ કોન્ટ્રાકટરો સાથે બેઠક કરવાનો આશ્ચર્યજનક ર્નિણય કર્યો છે. ત્યારે આ કિસ્સામાં કોન્ટ્રાકટરોની રમત દિવા જેવી સ્પષ્ટ હોવા છતાં કૌભાંડીઓ પાસે જ (કોન્ટ્રાકટર) તેનું એનાલીસીસ કરવાની નિતિ પણ અનેક સવાલ ઉભા કરે છે.

ઉલ્લેખનીય છેકે પ્રજાના પરસેવાની કમાઈથી ભરાતા વેરાના રૃપિયાને આંખો બંધ કરી ભ્રષ્ટાચારીઓને ધરી દેવાના વર્ષોથી ચાલતા આવતા ખેલને અટકાવવા માટે લોકસત્તા જનસત્તાએ વિશેષ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જેમાં કાચા રસ્તા પાકા કરવાના ટેન્ડરમાં પડતર કિંમત કરતા ઓછી કિંમતે એટલેકે કોર્પોરેશનના સ્ટાન્ડર્ટ રેટથી ૪૦થી ૪૯ ટકા સુધી ઓછી કિંમતે કામ કરવા માટે ૪ જુદા જુદા ઝોનના કોન્ટ્રાકટરોએ ટેન્ડર ભર્યું હતું. ત્યારે આ કિંમતો વાસ્તવિક શક્ય છે કે કેમ તેનું રેટ એનાલીસીસ કર્યા વગર વધુ એક દરખાસ્ત કોર્પોરેશન વહીવટી તંત્રએ સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરી હતી. લોકસત્તા જનસત્તાના અહેવાલ બાદ આજે મળેલી સ્થાયી સમિતિની બેઠક પૂર્વે મળેલી સંકલનની બેઠકમાં તમામ સભ્યોએ એક સુરે કોન્ટ્રાકટરોની નિયત સામે લવાલ ઉઠાવ્યા હતા. જેના પગલે આ કામને મુલત્વી રાખવાની ફરજ પડી હતી. જાેકે સ્થાયી સમિતિની બેઠકમાં અધિકારીઓ ઉપસ્થિત હોવા છતાં તેઓ પાસે આ અંગેની કોઈ સ્પષ્ટતા માંગવામાં ના બદલે કોન્ટ્રાકટરો સાથે બેઠક કરવાનો આશ્ચર્યજનક ર્નિણય કરાયો હતો.

કરોડોના કૌભાંડના બદલે સ્થાયી અધ્યક્ષને ટેન્ડરની ચિંતા કેમ?

આજે મળેલી સંકલનની બેઠકમાં જ્યારે મોટાભાગના સભ્યો રોડના કાચા-પાકા કામના ટેન્ડરમાં શંકા વ્યક્ત કરી તેને મુલત્વી કરવાની વાત કરતા હતા ત્યારે સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે ચોમાસાની વાત મુકી આગામી દિવસોમાં મુશ્કેલી ઉભી થશે તેવું ચિત્ર ઉભું કર્યું હતો. જાેકે સભ્યોના વિરોધ વચ્ચે તેઓએ માત્ર એક સપ્તાહ માટે જ ટેન્ડર મુલત્વી કરવાની વાત કરી હતી. ત્યારે આ ટેન્ડરની ડો. હિતેન્દ્ર પટેલને આટલી બધી ચિંતા કેમ છે તે સ્થાયી સમિતિના સભ્યોમાં જ ચર્ચાનો વિષય બન્યો હતો.

આંખ મિચામણાં અડધી કિંમતે બનતા રસ્તાની ગુણવત્તા ખરાબ

લોકસત્તા જનસત્તામાં પ્રસિધ્ધ થયેલા અહેવાલ બાદ કોર્પોરેશનના રસ્તાના કામોની ચોતરફ ટીકા થઈ હતી. શહેરમાં એક સામન્ય વરસાદમાં ધોવાઈ જતા રસ્તા પાછળ આવી ખરાબ કામગીરી જવાબદાર હોવાનું ખુદ કોર્પોરેશનના જ અધિકારીઓ અને કોર્પોરેટરો કહી રહ્યા છે. ત્યારે ભાજપ શાસકો આટલી મોટી બાબત પર આંખ મિચામણા કેમ કરી રહ્યા છે તે પણ તપાસનો વિષય છે.

સંકલનમાં એકબીજાને પાડવા પાડાનો ખેલ ખેલાયાની ગુસપુસ

કોર્પોરેશનની સ્થાયી સમિતિની બેઠક પૂર્વે ભાજપ કાર્યાલય ખાતે મળતી સંકલન સમિતિની બેઠકમાં ભાજપના એક સિનિયર સભ્ય અને સ્થાયી સમિતિ અધ્યક્ષ વચ્ચે પાડાનો ખેલ ખેલાયો હતો. સ્થાયી સમિતિના એજન્ડા પરની કામગીરી અંગે જુદા જુદા સભ્યોને અભ્યાસ કરવા માટે ચેરમેન તરફથી કામગીરીની ફાળવણી કરવામાં આવતી હોય છે. પરંતું એક સિનિયર સભ્યને ઈરાદા

પૂર્વક દર વખતે કોઈ ફાલતુ કામગીરીનો અભ્યાસ કરવાનું સોંપવામાં આવતું હોવાનું ચિત્ર ઉભું થયું હતું. જેના કારણે આ સભ્યે આજે સ્થાયી સમિતિ પૂર્વેની સંકલન સમિતિની બેઠકમાં તેઓને પાડાના ખોરાક અંગેની દરખાસ્તનો અભ્યાસ કરવા આપવાના મામલે નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે આ વિવાદ બાદ સ્થાયી સમિતિના સભ્યોમાં ચાલેલી ચર્ચા મુજબ પાડાની આડમાં કોન કોણે પાડવાનો ખેલ ખેલી રહ્યું છે તેની ચર્ચાએ જાેર પકડ્યું હતું.

અગાઉની કામગીરીની તપાસ થાય તો કરોડોનું કૌભાંડ સામે આવે

કોર્પોરેશન દ્વારા કાચા રસ્તા પાકા કરવા માટે દર વર્ષો ઝોન કક્ષાએથી તથા રોડ પ્રોજેક્ટ કક્ષાએથી ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે. આ તમામ ટેન્ડરો વર્ષોથી બજાર કિંમત કરતા અડધી કિંમતે આપવામાં આવ્યા છે. ત્યારે જે કામગીરીમાં મટીરીયલની ખરીદીની કિંમત પણ થતી ન હોય તેવી કિંમત કરતા અડધી કિંમતે કામગીરી કેવી રીતે થતી હશે તે સમજી શકાય તેવી બાબત છે. ત્યારે આવા કૌભાંડી કોન્ટ્રાકટરો અને તેમની સાથે સંકળાયેલા અધિકારીઓને જાે નસ્યત કરવી હોય તો આ ટેન્ડર રદ કરવા સાથે અગાઉ થયેલી કામગીરીની વિજીલન્સ તપાસ કરાવવામાં આવે તો કોર્પોરેશનના કર્મચારીઓનો ૫ વર્ષનો પગાર થાય તેટલી રકમનું કૌભાંડ સામે આવશે તેમ કોર્પોરેશનના જ સૂત્રોએ જણાવ્યું હતું.

ભાજપનો ભગવો પહેરનાર જ કોર્પોરેશનમાં કામ કરી શકશે?

બજાર કિંમત કરતા ઓછી કિંમતે રસ્તા બનાવવાની આવેલી દરખાસ્તની જેમ આજે સ્થાયી સમિતિની બેઠકમાં પોકલેન મશીન ભાડે લેવાની દરખાસ્તમાં પણ સમાન સમસ્યા સામે આવી હતી. આ ઉપરાંત આ દરખાસ્ત સ્થાયી સમિતિને ગેરમાર્ગે દોરી ખર્ચો મંજુર કરવા માટે ખોટી રીતે રજુ કરાઈ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું. ત્યારે ખોટી દરખાસ્ત રજુ કરનાર અધિકારી સામે કોઈ પણ ટિપ્પણી વગર માત્ર દરખાસ્ત નામંજુર કરવાનો ઠરાવ કરી સ્થાયી સમિતિએ સંતોષ માન્યો હતો. ઉલ્લેખનીય છેકે આ દરખાસ્ત રદ કરવા માટેનો મુદ્દે ખોટી દરખાસ્ત નહતી પરંતું આ કોન્ટ્રાકટર આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હોય નામંજુર કરવામાં આવી હતી. ત્યારે હવે કોંગ્રેસ બાદ આપ સાથે સંકળાયેલા કોન્ટ્રાકટરો પણ તવાઈ આવી છે. એનો મતલબ હવે ભાજપનો ભગવો પહેરનાર જ કોર્પોરેશનમાં કામ કરી શકશે.