અમદાવાદ, દહેજ માંગણી સંબંધિત કેસની આગોતરા જામીનની સુનાવણી દરમિયાન અમદાવાદની સ્થાનિક કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે ઘણી વખત વૈવાહિક જીવનમાં ક્લેશ અથવા અણબનાવના કિસ્સાને દહેજ માંગણીનો રંગ આપી દેવામાં આવે છે. કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે – “ઘણા કિસ્સામાં પરિવારના સભ્યો સમાધાન કરવા અથવા વેર કાઢવાનો પ્રયાસ કરે છે”. ઘણી વખત ફરિયાદમાં ઘટનાઓને વધુ પડતી રીતે બતાવવામાં આવે છે. કોર્ટમાં દામ્પત્ય જીવનને લગતા કેસનો ભરમાર છે. કોર્ટે સુપ્રીમ કોર્ટ અને વિવિધ હાઈકોર્ટના ચુકાદાને ટાંકતા નોંધ્યું કે આ પ્રકારના કેસોમાં આરોપીની ધરપકડ કરવાની જરૂર હોતી નથી. 

અરજદાર – આરોપી સામે જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની ટ્રાયલ જ્યુડિશિયલ ફર્સ્ટ કલાસ મેજિસ્ટ્રેટ સમક્ષ ચાલશે અને આ પ્રકારના કેસોમાં આરોપીની ધરપકડની જરૂર લાગતી નથી. જાેકે વર્તમાન કેસમાં કોર્ટે પોતાની સતાનો ઉપયોગ કરતા આ કેસમાં ફરિયાદી પત્નીના સાસુ – ધીરજબેન વછાણી અને સસરા – મનસુખ વછાણીના આગોતરા જામીન મંજુર કર્યા છે, જ્યારે ફરિયાદીના ૨૫ વર્ષીય પતિ -અર્જુન વછાણીના આગોતરા જામીન ફગાવી દીધા છે. કોર્ટે આ નિણર્ય લેતા કહ્યું કે “દહેજ માંગણી અને માનસિક ત્રાસનો ગુનો ફરિયાદીના પતિ સામે દાખલ કરવામાં આવ્યો છે, જેથી અન્ય બે આરોપી – સાસુ અને સસરાના આગોતરા જામીન મંજુર કરવામાં આવે છે.

કોર્ટે આગોતરા જામીન મુક્ત કરતા બંને સહ-આરોપીઓને વટવા પોલીસ સ્ટેશન સમક્ષ ૧૫ હજાર રૂપિયા પર્સનલ બેલ બોન્ડ ભરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી પત્નીએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અને સાસુ સસરા નાની-નાની વાત પર તેની સાથે ઝઘડો કરતા અને દહેજના ભાગરૂપે એક્ટિવા પણ માંગી હતી. પત્નીનો આક્ષેપ છે કે તેના પતિએ તેના ઘરે આવીને તેના નાના ભાઈને માર માર્યો હતો. નોંધનીય છે કે ફરિયાદી પત્ની અને આરોપી પતિ બંને એકબીજાના પ્રેમમાં પડ્યા બાદ ૨૦૧૯માં લગ્ન કરી લીધા હતા.