વડોદરા-

વડોદરામાં કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની મળેલી બેઠકમાં ગુજરાતના પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા તેલમાં ૪૦ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી લાદવામાં આવતા તેલના ભાવમાં વધારો થયો છે. સરકાર ભલે દાવો કરતી હોય કે જી.એસ.ટી. સફળ થયું છે. પરંતુ દેશમાં જી.એસ.ટી. સફળ થયું ન હોવાનું તેઓ આક્ષેપ કર્યો હતો. વડોદરા શહેર ખાતે આવેલી એક હોટલમાં સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા કોનફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં સી.એ.આઇ.ટી.ના ચેરમેન મહેન્દ્રભાઈ શાહ, મહામંત્રી પ્રવીણભાઈ ખંડેલવાલ, જી.એસ.ટી. કમિટીના ચેરમેન શ્રીમતી પૂનમબેન જાેશી અને ગુજરાતના પ્રમુખ પ્રમોદભાઈ ભગત ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જી.એસ.ટી.માં પડી રહેલી મુશ્કેલીઓ અંગે પોતાના વિચારો રજૂ કરવા માટે ગુજરાતના ૧૦૦ જેટલા વેપારી આગેવાનો જાેડાયા હતા.

સીએઆઇટીના ચેરમેન મહેન્દ્રભાઇ શાહે જણાવ્યું હતું કે જીએસટી માટે સરકારી અધિકારીઓની દાદાગીરી વધી રહી છે. અધિકારીઓ દ્વારા વેપારીઓ ઉપર જુલમ ગુજારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. આગામી માસમાં દેશભરના વેપારીઓ ટેક્સ અને જીએસટી નહીં ભરવા માટે આંદોલનનો માર્ગ અપનાવવાના છે. ગુજરાત પ્રદેશ પ્રમુખ પ્રમોદ ભગતે જણાવ્યું હતું કે તેલમાં સરકારે ૪૦ ટકા ઈમ્પોર્ટ ડ્યુટી વધારી હોવાના કારણે તેલના ભાવ ભડકે બળી રહયા છે. ઈમ્પોર્ટ ડ્યુટી જ્યાં સુધી ઓછી કરવામાં આવે નહિ આવે ત્યાં સુધી તેલના ભાવ ઓછા થવા અશક્ય છે. તેલના ભાવમાં વધારો થતાં રાજ્યના ફરસાણના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. દેશમાં જીએસટી સંપૂર્ણ નિષ્ફળ ગયું હોવાનું પણ તેમણે આક્ષેપ કર્યો હતો.