શ્રીનગર-

નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લા સરકારી નિવાસ ખાલી કરવાના છે. તે 31 ઓક્ટોબર પહેલા આ ઘર છોડશે. આ સંદર્ભે તેમણે વહીવટી સચિવને પત્ર લખ્યો છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાને સરકારી રહેઠાણ, સુવિધાઓ અને સ્ટાફ પાછો ખેંચવાનું કહેવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા પોતાનો સરકારી બંગલો ખાલી કરી રહ્યાં છે. તેમણે હાઉસિંગ વિભાગના સચિવને પત્ર લખીને ઓક્ટોબર સુધીનો સમય માંગ્યો છે. નેશનલ કોન્ફરન્સના નેતાએ કહ્યું કે, હું પોતાના માટે ઘર શોધી રહ્યો છું. 31 ઓક્ટોબર સુધીમાં સરકારી આવાસ ખાલી કરીશ.


ઓમર અબ્દુલ્લા ગુપકાર રોડ પર જી-1 સરકારી બંગલામાં રહે છે, જે શ્રીનગરનો સૌથી વધારે સુરક્ષિત અને સૌથી પોશ વિસ્તાર છે. આ બંગલો તેઓ પાસે 2002થી છે, જ્યારે તે શ્રીનગરના સાંસદ હતા. 2008માં જમ્મુ-કાશ્મીરના સીએમ બન્યા પછી ઓમર અબ્દુલ્લાને સીએમ નિવાસ સાથેનો જી-5 બંગલો ફાળવવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2010થી બંને બંગલો સીએમ હાઉસિંગના સત્તાવાર નિવાસસ્થાન તરીકે ઉપયોગમાં લેવાયા છે.