વડોદરા -

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગાંધીના ગુજરાતમાં આજે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મદિને પણ શહેર-જિલ્લાના પોલીસતંત્રની રહેમનજર હેઠળ શહેર તેમજ સેવાસી ગામની સીમમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમતી રહી હતી. અલબત્ત, દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર જ અમલ થતો હોવાનું જણાઈ રહ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે રાષ્ટ્રપિતા ગાંધીજીના જન્મદિને ગાંધીજીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાખો રૂપિયાનો દારૂ શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની રહેમનજર હેઠળ ઠલવાઈ રહ્યો છે એ સત્ય હકીકત છે. બીજી તરફ પોલીસ પોતાની કામગીરી ચોપડે બતાવવા માટે માત્ર કેટલાક છૂટાછવાયા દારૂનો ધંધો કરતી વ્યક્તિઓ સામે દારૂના કેસો કરીને કામગીરીનો સંતોષ માની રહ્યા છે.

આજે ગાંધી જયંતી નિમિત્તે શહેરમાં દારૂનું સેવાસી ગામની સીમમાં વેચાણ અને દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના દૃશ્યો ‘લોકસત્તા-જનસત્તા’ના કેમેરામેનમાં ક્લિક થયા છે, જે દારૂબંધીનો કાયદો પોલીસતંત્ર દ્વારા માત્ર કાગળ ઉપર જ અમલ કરવામાં આવતો હોવાનું ફલિત થાય છે.