આણંદ : આણંદ ટાઉન પોલીસે પોતાની ફરજ નિભાવતાં ચોપડે ૫૦થી વધુ પીધેલાંને ૩૧મીની રાત્રે ઝડપી લીધાં હતાં, પણ જાહેરમાં દારૂ પીને નીકળતાં આ શખસોને દારૂ કોણ પૂરો પાડે છે તેનો કોઈ હિસાબમેળ તપાસમાં સામે આવતો નથી. નગરજનોના વારંવારના આક્ષેપ મુજબ, પોલીસ માત્ર પીધેલાંઓને પકડી કડક કાર્યવાહી કરી હોવાનો ડોળ કરે છે, પણ આણંદમાં વધી રહેલી દારૂની બદી માટે જવાબદાર બૂટલેગરો સુધી કેમ પહોંચી શકતી નથી? 

આંણદ ટાઉન પોલીસે ૩૧ ડિસેમ્બરને લઈને શહેરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આણંદ આસપાસના ફાર્મહાઉસમાં પણ પોલીસે ઓચિંતી તપાસ કરતાં દારૂડિયાઓ અને ફાર્મહાઉસમાં મહેફિલો માણતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. રાત્રીના ૧૦ વાગ્યા બાદ પણ સામરખા અને ચિખોદરા ચોકડી પાસેથી પસાર થતાં વાહનોને રોકી તપાસ કરવામાં આવી હતી. આણંદ પોલીસ દ્વારા શહેર બહારથી આવતાં વાહનોમાં પણ વિશેષ તપાસ કરાઈ હતી. આ દરમિયાન આણંદ ટાઉન પોલીસે ૫૫થી વધુ ગુના નોંધ્યા હતાં.

શહેરીજનોનો આક્ષેપ છે કે, શહેરમાં દારૂ બેરોકટોક વહેંચાઈ રહ્યો છે. નશાખોરી કરી રસ્તે રઝળતાં અને મહેફિલો માણનારા દારૂડિયાઓ પોલીસના હાથે સપડાયાં છે, પરંતુ એ બાબત સમજાતી નથી કે આટલો દારૂ શહેરમાં પહોંચાડનારાઓ અને આ વિદેશી દારૂની રેલમછેલ કરતાં બૂટલેગરો કેમ પોલીસ પકડથી દૂર રહ્યાં છે?