વડોદરા : સામાન્ય રીતે વાર-તહેવારો અને તેમાં પણ ગણેશોત્સવ અને મહોરમના પર્વ દરમિયાન ફૂલબજારમાં તેજી અને ઘરાકી જાેવા મળે છે પરંતુ આ વરસે કોરોના ઈફેક્ટ તેમજ કોરોનાની ગાઈડલાઈન થયા બાદ ફૂલમાળીઓની હાલત કફોડી બની છે, સાથે સાથે ગુલાબ, ગલગોટા સહિત ફૂલોના ભાવ પણ આસમાને હોવાથી ફૂલમાળીઓનો ધંધો હાલ તો ઠપ થઈ જતાં ફૂલમાળી પરિવારોના માથે સંકટના વાદળો ઘેરાયાં છે. બીજી તરફ કોરોના મહામારીની ગાઈડલાઈન મુજબ રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં તહેવારોની ઉજવણી કરવાની મનાઈ ફરમાવી દીધી છે, જેના કારણે ભાવિકભક્તો તથા મહોરમ પર્વની ઉજવણી કરતા મુસ્લિમ બિરાદરો એમ બંને કોમના નાગરિકોને સાદગીપૂર્વક તહેવાર ઉજવવાની ફરજ પડી છે. આ બંને તહેવારોમાં ગુલામ સહિત વિવિધ સુગંધિત ફૂલોની માગ વધુ હોવાના કારણે તેના ભાવ આસમાને પહોંચી જાય છે. જાે કે, આ વરસે કોરોનાની મહામારીને લીધે રાજ્ય સરકારની ગાઈડલાઈનને લીધે તહેવારોની ઉજવણી જાહેરમાં નહીં થતાં ભાવિકો અને મુસ્લિમ બિરાદરોએ પણ ફૂલોની ખરીદી કરવા મામલે પીછેહઠ કરતાં ફૂલબજારમાં અચાનક મંદીના વાદળો ઘેરાયાં છે. ફૂલોના ધંધા ઉપર ગુજરાન ચલાવતા ફૂલમાળી પરિવારોની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી બની છે અને આર્થિક ભીંસમાં મુકાયા છે. ઓછો માલ લાવીને વેચાણ કરી રહ્યા હોવાનું ફૂલબજાર સાથે સંકળાયેલા ફૂલોના વેપારી જિતુભાઈએ જણાવ્યું હતું. 

ગુલાબના રૂા.૪૦૦, તગર રૂા.૧૫૦૦, જુઈ રૂા.૨૦૦૦ના કિલોના ભાવે વેચાઈ રહ્યા છે 

સામાન્ય દિવસોમાં રૂા.પ૦, ૧૦૦ અને ર૦૦ કિલોના ભાવે મળતા ફૂલોના ભાવ વાર-તહેવારોમાં રાતોરત વધી જતા હોય છે. આ વરસે પણ ગણેશોત્સવ અને મહોરમના તહેવારોમાં ફૂલોના ભાવ આસમાને પહોંચવાનો ક્રમ યથાવત્‌ રહ્યો હતો. ફૂલોના ધંધા સાથે સંકળાયેલા વેપારીના જણાવ્યા મુજબ હાલ ફૂલબજારમાં ગુલાબનો ભાવ રૂા.૪૦૦ પ્રતિકિલો, ગળગોટાનો ભાવ રૂા.૨૦૦ પ્રતિકિલો, તગરના ફૂલોનો ભાવ રૂા.૧૫૦૦ પ્રતિકિલો, સેવંતીનો ભાવ રૂા.૨૦૦ પ્રતિકિલો, મોગરાના ફૂલોનો ભાવ રૂા. ૧૫૦૦ પ્રતિકિલો અને જુઈનો ભાવ રૂા.૨૦૦૦ પ્રતિકિલો હોવાનું જણાવ્યું હતું. ગુલાબના ફૂલ નારેશંવર અને કોઠિયા ગામ, ગોટાના ફૂલ પૂણેથી અને ેસવંતી, તગર, મોગરો, જુઈ સુરત-પાદરાથી આવતા હોવાનું વેપારીએ જણાવ્યું હતું.