ગાંધીનગર-

રાજ્યમાં તમામ 80 ટકા રોડ તૂટી જઇ ખાડા પડી જવાના અહેવાલો અને લોકોમાં ફેલાયેલા વ્યાપક રોષ તેમજ જનતા વળતર માંગવા ઉપર ઉતરી આવતા હવે ભ્રષ્ટ લોકો ના ધોતિયા ઢીલા થઈ ગયા છે.

રાજ્ય માં તકલાદી રોડ તૂટી ગયા બાદ જનતા માં ભ્રષ્ટાચાર વિરુદ્ધ જોઈ સરકાર સતર્ક થઇ છે અને સબંધિતો ને રોડ રીપેર માટે સૂચનાઓ આપી દીધી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે આગામી સપ્તાહથી રસ્તાના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. હાલ ઇજનેરો તપાસ માં જોતરાયા છે અને રિપોર્ટ આપશે તેના આધારે કામગીરી કરવામાં આવશે.

પટેલે જણાવ્યું કે સરકારે માર્ગ અને મકાન વિભાગના સચિવ અને નેશનલ હાઇવે ઓથોરિટીના ચીફ એન્જિનિયર ની ટીમે અમદાવાદ, રાજકોટ, સોમનાથ, રાજુલા, ભાવનગર રૂટ ઉપર રૂબરૂ જઇ રસ્તાઓની સ્થિતિનો રીપોર્ટ તૈયાર કર્યો છે. આ ઉપરાંત માર્ગ અને મકાન વિભાગના ચીફ એન્જિનીયર તથા સુપ્રીટેન્ડેન્ટ એન્જિનિયરને પણ રાજ્યના વિવિધ વિસ્તારોના રસ્તાઓ ઉપર રૂબરૂ સ્થળ તપાસ માટે મોકલવાયા છે. જેના આધારે સમગ્ર રાજ્યની સ્થિતિનો ચિતાર મળશે. આ અહેવાલ તૈયાર થઇ ગયો છે. ગુરૂવારે આ તમામ ઇજનેરો સાથે બેઠક યોજવામાં આવી છે. અધિકારીઓને ગુણવત્તાની તપાસ કરવા પણ સૂચના અપાઇ છે. સેમ્પલો લઇને તપાસ કરાશે. નવા રસ્તા ત્રણ વર્ષની ગેરન્ટીમાં આવતા હોવાથી તેનું રીપેરીંગ કોન્ટ્રાક્ટરે જ કરવાનું હોય છે.

વરસાદ ની સ્થિતિ હળવી બન્યા બાદ કોન્ટ્રાક્ટરો તેમજ સરકાર હસ્તકના તમામ પેવર પ્લાન્ટ તૈયાર રાખવાની સૂચના આપવામાં આવી છે. આગામી સપ્તાહથી રસ્તાઓનું મોટા પ્રમાણમાં રીપેરીંગનું કામ શરૂ થશે. જ્યાં મોટા ખાડા પડ્યા છે, વાહન વ્યવહાર બંધ છે તેવા રસ્તા ઉપર પ્રાયોરિટીના ધોરણે કામગીરી કરવામાં આવશે ત્યારબાદ નવરાત્રીથી દિવાળી સુધીના સમયમાં તમામ રસ્તાની જરૂરિયાત પ્રમાણે રીકાર્પેટીંગ સહિતની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાની બાંહેધરી આપવામાં આવી છે,