વડોદરા -

વડોદરા મહાનગર પાલિકા દ્વારા વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષમાં સેવા સપ્તાહમાં શહેરના તમામ વોર્ડમાં સ્વચ્છતા અભિયાન શરુ કરવામાં આવ્યું હતું. માત્ર ને માત્ર ફોટો સેશન કરીને દેખાડો કરવા અને રાજકીય આકાઓને ખુશ રાખવાને માટે કરાતી સ્વચ્છતાની કામગીરી કરતા નાના નાના માનવીઓને અને નાના વેપારીઓને નોટિસો ફટકારીને દંડ વસુલવાની કાર્યવાહી સવિશેષ કરાતી હોવાની બુમરાણ સમગ્ર શહેરમાંથી ઉઠવા પામી છે. પાલિકાની તમામે તમામ વોર્ડ ઓફિસો દ્વારા આવી કાર્યવાહી કરાય છે. પરંતુ શહેરના સિંધવાઇ માતા રોડ પર આવેલ પાલિકાના ડેપ્યુટી કમિશ્નરની અને વોર્ડ-૪ ની કચેરીમાં કચરાના ઢગલાઓ પડયા છે. જેને લઈને થતા મચ્છરોના ઉપદ્રવને કારણે આસપાસમાં આવેલ અંદાજે દશ જેટલી સોસાયટીઓના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યાં છે. રોજ સવાર પડેને દંડની પહોંચબુક લઈને જાહેરમાં કચરો નાખનાર કે ગંદકી કરનાર સામે દંડની વસુલાત માટે નીકળી પડતા પાલિકા તંત્ર હસ્તકની વોર્ડ -૪ ની કચેરીના ઉચ્ચ અધિકારીઓ સામે પગલાં લઈને તંત્ર ગંદકી મામલે અધિકારીને દંડ ફટકારશે ખરી ? એવો પ્રશ્ન ઉઠી રહ્યો છે. ગોકુલ નગર અને સંજય નગરના રહીશો વોર્ડ કચેરીની ગંદકી બાબતે ફરિયાદો કરીને થાકી ગયા છે. ત્યારે દીવા તળે જ અંધારા જેવી સ્થિતિને લઈને પાલિકાના કમિશ્નર વોર્ડ ઓફિસના અને ડેપ્યુટી કમિશ્નર કચેરીના જવાબદાર અધિકારીઓ પાસેથી દંડની વસુલાત કરીને જનતાને ન્યાય અપાવશે ખરા? એવો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.