વડોદરા-

વડોદરાના પાદરા નગરમાં દીકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસમાં મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ મ્યુઝીકલ પાર્ટીમાં ગુજરાતી ફિલ્મની અભિનેત્રીએ ઠૂમકા લગાવ્યા હતા. લગ્ન નિમિત્તેની પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હતા. અભેનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કરી મનમૂકી નાચ્યા હતા. પાદરા પોલીસે કોરોનાની ગાઈડ લાઈન મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

મળેલી માહિતી મુંજબ પાદરા ટાવર રોડ પર એક  લગ્ન પ્રસંગમાં દીકરીના લગ્ન નિમિત્તે પાદરા ડભાસા રોડ ઉપર આવેલ રંગ ફાર્મ હાઉસમાં ફિલ્મની અભિનેત્રી ની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મ્યુઝિકલ પાર્ટીમાં 400 ઉપરાંત લોકો જોડાયા હતા. આ મ્યુઝિકલ પાર્ટીમાં ફિલ્મની અભિનેત્રી મમતા સોનીએ કજરા…રે.. કજરા…રે.. ગીત ઉપર ઠૂમકા લગાવ્યા હતા. અભિનેત્રીના ઠૂમકા જોઈ લગ્ન નિમિત્તેની પાર્ટીમાં જોડાયેલા કેટલાક લોકોએ અભિનેત્રી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. તો કેટલાક લોકો કજરા..રે.. ગીત ઉપર મન મૂકીને નાચ્યા હતા.

ફાર્મ હાઉસમાં ભવ્ય સ્ટેજ બાંધી આયોજીત લગ્ન નિમિત્તેની આ મ્યુઝીકલ પાર્ટીમાં જોડાયેલા અનેક લોકો માસ્ક વગર ના હતા. તેમજ સોશીયલ ડિસ્ટન્સીંગ પણ જાળવ્યું ન હતું અને અભિનેત્રીના વિવિધ ગીતો ઉપરના ડાન્સ સાથે આનંદ લૂંટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કાળો કેર વર્તાવી રહેલા કોરોનાને પગલે સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો યોજવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તે સાથે લગ્ન પ્રસંગ સહિત શુભ-અશુભ પ્રસંગો ઉપર પણ મર્યાદિત સંખ્યા નક્કી કરવામાં આવી છે. ત્યારે પાદરાના ખાતે દિકરીના લગ્ન નિમિત્તે ફાર્મ હાઉસ રાખીને ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીની મ્યુઝિકલ પાર્ટીનું આયોજન કરતા ચકચાર મચી ગઇ હતી.