વડોદરા-

ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા વિવાદાસ્પદ પીએસઆઈ ડી એચ રાખોલિયાએ ગત રવિવારની મધરાતે ગોરવા બીઆઈડીસીમાં આવેલી જે ખાનગીમાં સ્પોટ્‌ર્સ સાયકલ પર યુનિફોર્મ અને સ્ટાફ વિના ઘુસી જઈને તપાસના નામે આંટાફેરા માર્યા હોવાના ‘‘લોકસત્તા’’ના અહેવાલ બાદ ગત મોડી રાત્રે ફરી એ જ કંપનીમાં તપાસ-ચકાસણીના બહાને ઘુસીને આંટાફેરા મારી કર્મચારીઓમાં ભયની લાગણી ઉભી કરી વધુ એક વખત વિવાદ ઉભો કર્યો છે. પીએસઆઈની દબંગાઈ સોશ્યલ મિડિયામાં ફરી વાયરલ થતાં શહેરના ઐાધોગિક જગતમાં પીએસઆઈ રાખોલિયા દ્વારા રાગદ્વેષ રાખીને કરાઈ રહેલી કાર્યવાહી સામે ઉગ્ર રોષ ફેલાયો છે.  

ગોરવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ એચ. રાખોલિયા ગત ૧૪મી તારીખના રાત્રે ગોરવા બીઆઈડીસીમાં આવેલી અને હાયજેનીક પ્રોડ્‌કટસના ઉત્પાદન સાથે સંકળાયેલી ખાનગી કંપનીમાં સ્પોટ્‌ર્સ સાયકલ પર બ્લયુજીન્સ પેન્ટ અને શર્ટ પહેરીને તપાસના બહાને ઘુસી ગયા હતા અને સાયકલને રોડની વચ્ચે મુકી તેમણે કંપનીમાં તપાસના બહાને આંટાફેરા માર્યા હતા તેમજ હાથમોજા પહેર્યા વિના કંપનીની પ્રોડક્સની પણ હાથમાં પકડીને ચકાસણી કરી હતી. પીએસઆઈની દબંગાઈની વિગતો સોશ્યલ મિડિયામાં વાયરલ થતા તેનો એકમાત્ર ‘ લોકસત્તા ’માં અહેવાલ પ્રસિધ્ધ થયો હતો. જાેકે આ અહેવાલના પગલે પીએસઆઈનો ઈગો હર્ટ થયો હોય તેમ આ અહેવાલનો રાગદ્વેષ રાખીને તેમણે ગઈ કાલે મધરાત બાદ ફરીથી આ જ કંપનીને નિશાન બનાવી હતી.

ગઈ કાલે મધરાત બાદ તે ફરીથી બીઆઈડીસીમાં આવેલી ઉક્ત કંપનીમાં જ ખાખી વર્દી અને સ્ટાફ સાથે સરકારી વાહનમાં પહોંચી ગયા હતા અને ફરીથી કંપનીની અંદર ચાલુ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન જવાનું કોઈ વાજબી કારણ આપ્યા વિના તે એક યુનિફોર્મ વિનાના યુવકને લઈને કંપનીમાં ઘુસ્યા હતા. તેમણે કંપનીમાં ફરીથી ગયા વખતની જેમ જ તપાસ માટે આંટાફેરા માર્યા હતા પરંતું કંપનીમાં સમગ્ર પ્રક્રિયા સરકારી ધારાધોરણ હેઠળ થતી હોઈ તેમને કોઈ પણ પ્રકારની ગેરરીતી નહી મળતાં તે કંપનીની બહાર રવાના થયા હતા. જાેકે આ જ સમયે કંપનીમાં માલસામાનની હેરફેર કરવા માટે આવી પહોંચેલા એક પીકઅપ વાનમાં ડ્રાઈવર અને શ્રમિકો સહિત ચાર યુવકોએ માસ્ક પહેર્યું ન હોઈ તેમણે આ ચારેય યુવકોને સ્થળ પર માસ્કનો દંડ વસુલ કરવાના બહાને ગુનેગારો હોય તેમ ગાડીમાં બેસાડી દીધા હતા અને તેઓને પોલીસ મથકે લઈ જઈ તેઓની પાસેથી ચાર હજારનો દંડ વસુલ કર્યો હતો.

જાેકે ચોક્કસ કારણોસર આ રીતે એક જ કંપનીમાં વારંવાર જઈને કર્મચારીઓમાં ભયનું વાતાવરણ ઉભુ કરતા પીએસઆઈ ડી.એચ. રાખોલિયાની ગત રાતની દંબગાઈની વિગતો ફરી સોશ્યલ મિડિયામાં વાયરલ થતાં તેનો શહેરના પ્રતિષ્ઠિત એવા ઐાધોગિક જગતમાં ઉગ્ર પડઘો પડ્યો છે અને પીએસઆઈની દંબંગાઈ સામે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ રોષ ફેલાયો છે. આ અંગે તેઓ ફુટેજના પુરાવા સાથે રાજ્ય સરકાર અને ઉચ્ચપોલીસ અધિકારીઓને પણ રજુઆત કરશે તેવી વિગતો સાંપડી છે. જાેકે ઉક્ત કંપનીના સંચાલકોએ આ બાબતે કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો.

પોલીસની વોકીટોકીને ‘બોગસ’ના પુત્રને સોંપી દીધી

પીએસઆઈ રાખોલિયા ગત રાત્રે પોતાની સાથે સરકારી વાહનમમાં પેન્ટ-ટીશર્ટ પહેરેલા એક યુવકને પણ સાથે લઈ ગયા હતા. એટલું જ નહી આ યુવક તેમની સાથે કંપનીમાં પણ લઈ ગયા હતા અને તેને વોકીટોકી આપી દેતા આ યુવક પણ તેમની પાછળ પાછળ સમગ્ર કંપનીમાં ફર્યો હતો. મળતી વિગતો મુજબ આ યુવક ગોરવા વિસ્તારમાં પોલીસના બાતમીદારના નામે ગેરકાયદે ધંધા કરતા લોકો પાસેથી તોડપાની કરવાના આક્ષેપોથી ઘેરાયેલા અને સમગ્ર વિસ્તારમાં ‘બોગસ’ના તિરસ્કૃત નામથી કુખ્યાત ઈસમનો યુવાન પુત્ર હોવાનું કહેવાઈ રહ્યું છે. આ યુવકે કંપનીમાં કોઈ ગુનાહીત કૃત્ય આચર્યું હોત કે તે પણ હવે આ કંપનીમાં પોલીસનો નામે દમ મારી કોઈ ગેરવાજબી માગણી કરે તો તેની જવાબદારી શું પીએસઆઈ રાખોલિયા લેશે ?

દંડ લઈ છોડી દેવાના બદલે ચારેય યુવકોને છ કલાક પોલીસ મથકમાં જ બેસાડી રાખ્યા!

પીએસઆઈ રાખોલિયાને કંપનીમાં તપાસ દરમિયાન કશુ જ નહી મળતા તેમના મનમાં ચાલી રહેલા કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવાનો છુપો રોષ તેમણે કંપનીમાં આવેલા ટેમ્પોચાલક અને મજુરો પર ઠાલવ્યો હતો. મધરાતે સાડા ત્રણ વાગે તેમણે માસ્ક વિના આવેલા ચાર યુવકો પાસેથી દંડ વસુલ કરી તેઓને સમાધાન શુલ્કની પાવતી આપી દઈ રવાના કરી દેવાની ફરજ હતી પરંતું પીએસઆઈ રાખોલિયાએ કોઈ પણ વાતચિત વગર સરકારી વાહનમાં બેસાડી તેઓને ગોરવા પોલીસ મથકમાં લઈ ગયા હતા અને ત્યાં પણ ચાર હજારનો દંડ તો વસુલ કર્યો હતો પરંતું ચારેય યુવકોને વિનાકારણ આજે સવારના નવ વાગ્યા સુધી બેસાડી રાખ્યા બાદ રવાના કરાયા હતા.

એક જ કંપનીમાં વારંવાર જવાનો ઈરાદો શુ છે ?

પીએસઆઈ ડી એચ રાખોલિયા એક જ કંપનીમાં વારંવાર મધરાતે જ તપાસ માટે જતા હોઈ તેમના ઈરાદા અંગે હવે અનેક શંકાઓ ઉભી થઈ છે. કંપનીમાં કોઈ ગેરરીતી થતી નથી, તમામ કામગીરી સરકારી નિયમો હેઠળ જ થાય છે જેની પીએસઆઈ રાખોલિયાએ ગત રવિવારે જ જાતે કંપનીમાં ફરીને ખાત્રી કરી છે છતા પણ ફરીથી આ જ કંપનીમાં કેમ ગયા ? ગોરવા બીઆઈડીસીમાં શું માત્ર આ જ એક કંપનીમાં કોઈ ગેરરીતીની તેમને કોઈ ફરિયાદ કે બાતમી મળી છે ? જાે હાં હોય તો તેની કોઈ અધિકારીને જાણ કરી તેની તપાસ માટે મંજુરી લીધી છે ? આ અંગે હવે એવી પણ ચર્ચાઓ શરૂ થઈ છે કે પીએસઆઈ રાખોલિયાની કદાચ પોતાની કોઈ માગણી હશે જે પુરી કરાવવા માટે જ આ રીતે કંપનીમાં તે પણ મધરાતે ચાલુ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન ઘુસીને તે કંપની સંચાલકો પર દબાણ અને ભય ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

‘ લોકસત્તા’ના અહેવાલ બાદ પીએસઆઈને વર્દી પહેરી સ્ટાફ સાથે ગયા

 ગત ૧૪મી તારીખના રાત્રે પીએસઆઈ ધર્મેન્દ્રસિંહ રાખોલિયા સ્પોર્ટસ સાયકલ પર જીન્સપેટ-શર્ટ પહેરીને દબંગની જેમ સિક્યુરીટી ગાડ્‌ર્સને દમ મારીને એકલા જ કંપનીમાં ઘુસ્યા હતા.આ સમગ્ર બનાવનો ફુટેજ સાથે અહેવાલ એકમાત્ર ‘લોકસત્તા’માં પ્રસિધ્ધ થતા ગત રાત્રે પીએસઆઈએ આ વખતે કંપનીમાં જવા માટે તમામ બાબતોની ચોકસાઈ રાખી હતી અને તે ગત રાત્રે ખાખી વર્દી અને અન્ય પોલીસ જવાનો સાથે સરકારી વાહનમાં કંપનીમાં ગયા હતા.