અમદાવાદ, ઈસનપુરમાં ઘરકંકાસ તથા સાસરીયાના ત્રાસના કારણે એક યુવતીએ તેની દોઢ વર્ષીય દીકરીને ગળેફાંસો આપી હત્યા કરી પોતે પણ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. યુવતીએ થોડા સમય પહેલા સાસરીયાના વિરુદ્ધમાં ડોમેસ્ટીક વાયોલન્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. ઈસનપુરમાં રવિવારે વહેલી સવારના સમયે માતાએ દોઢ વર્ષીની દીકરી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હોવાથી ઈસનપુર પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી બંન્નેના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપી તપાસ હાથધરી હતી. જેમાં જાણવા મળ્યુ હતુ કે, માતા નિમિષાએ તેની દીકરીને ગળેફાંસો આપી ત્યારબાદ તેણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ઘટના બાદ તપાસ હાથધરી ત્યારે એવુ સામે આવ્યુ હતુ કે, નિમિષાનો પતિ સહીત સાસરીયાઓ અવાર નવાર નિમિષા સાથે ઝઘડો કરીને ત્રાસ આપતા હતા. નિમિષાનો ઘર સંસાર ન બગડે તે માટે તે મુંગા મોઢે બધુ સહન કરતી રહી હતી. જાે કે રોજ રોજના ત્રાસથી તંગ આવીને નિમિષાએ સાસરીયાના વિરુદ્ધમાં ડોમેસ્ટિક વાયોલન્સ એક્ટ મુજબ ગુનો નોંધાવ્યો હતો. ત્યારબાદ સાસરીયાઓની ધરપકડ પણ કરવામાં આવી હતી. તે ઘટના પછી પતિ સહીત સાસરીયાઓએ નિમિષા સાથે સમાધાન કરીને તેને સારી રીતે રાખીશુ તેમ કહીને પરત સાસરીમાં લઈ આવ્યા હતા. ત્યારબાદ પણ અવાર નવાર ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતુ. દરમિયાન નિમિષાએ એક દિકરીને જન્મ આપ્યો હતો જે સાસરીયા અને પતિને ગમ્યુ ન હોવાથી વધુ ત્રાસ આપવાનું શરૂ કરી દીધુ હતુ. ત્યારબાદ ગત રવિવારે પણ નિમિષા અને તેના પતિ તથા સાસરીયા વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં તેઓ બધા પોત પોતાના રૂમમા જતા રહ્યા હતા. બીજી બાજુ નિમિષાએ તેની દોઢ વર્ષની દીકરીને ગળેફાંસો આપી હત્યા કરી દીધી હતી.