અમદાવાદ, દેશની રાષ્ટ્રીય કૃત ઈન્સ્યોરન્સ કંપનીઓના ખાનગીકરણ સામે વિવિધ રાષ્ટ્રીય કૃત કંપનીઓના કર્મચારીઓના જાેઈન્ટ ફોરમના નેતૃત્વ હેઠળ આજે એક દિવસીય હડતાલ અને વિરોધ દેખાવ યોજાયા હતા. યુનિયનના અગ્રણીઓએ કહ્યું હતું કે, કર્મચારીઓની વર્ષોની મહેનત બાદ આટલી મોટી શાખ ઉભી કરી છે, વીમા કંપનીઓની આ શાખને સરકારે ખાનગી કોર્પોરેટ કંપનીને સોંપી દેવાનો ર્નિણય કર્યો છે, તેને કોઈ પણ સંજાેગોમાં ચલાવી લેવાશે નહિ.  કેન્દ્ર સરકારના જાહેર સાહસ એવા સામાન્ય વીમા નિગમના ખાનગીકરણ કરવાના ર્નિણય સામે સમગ્ર દેશભરમાં સામાન્ય વીમા કંપનીઓના કર્મચારીઓમાં ભારે રોષની લાગણી પ્રસરી છે. દેશની મુખ્ય ચાર વીમા કંપનીઓ ન્યૂ ઈન્ડિયા, યુનાઇટેડ ઇન્ડિયા, ઓરિએન્ટલ ઈન્સ્યોરન્સ અને નેશનલ ઈન્સ્યોરન્સ કંપનીના કર્મચારીઓના તમામ એસોસિએશન અને યુનિયનોએ આજે વીમા કંપનીઓના ખાનગીકરણ તેમજ અન્ય પડતર માંગણીઓના સમર્થનમાં ચારેય વીમા કંપનીઓના યુનિયનોના જાેઈન્ટ ફોરમના નેજા હેઠળ આજે સંયુક્ત રીતે એક દિવસીય હડતાલ પાડી હતી.જાેઈન્ટ ફોરમના નેતૃત્વ હેઠળ આજે યુનાઇટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપનીની પ્રાદેશિક કચેરી, યુનાઇટેડ ભવન, ઇન્કમટેક્ષ ચાર રસ્તા પાસે, અમદાવાદ ખાતે વીમા કંપનીઓના યુનિયનના અગ્રણીઓ તેમજ કર્મચારીએ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અને તેમણે કેન્દ્ર સરકારની ખાનગીકરણની નીતિ સામે પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.

 જેમાં જાેઈન્ટ ફોરમના આર.એસ. પંડિયા, આશિષ ડામોર, જે.એચ. સંઘવી અને સ્નિગ્ધ ચંદ્ર સહિતના અગ્રણીઓએ કેન્દ્ર સરકારની વીમા કંપનીઓના ખાનગીકરણના ર્નિણય સામે રોષ વ્યક્ત કરીને કહ્યું હતું કે, વીમા કંપનીના કર્મચારીઓએ વર્ષોની મહેનત બાદ જબરદસ્ત શાખ પ્રસ્થાપિત કરી છે. તેને કેન્દ્ર સરકાર એક જ ઝટકામાં ખાનગી કોર્પોરેટ કંપનીને સોંપી દેવાનો ર્નિણય કરવા જઈ રહી છે તેને કોઈ સંજાેગોમાં નહિ ચલાવી લેવાય.