ભરૂચ, જંબુસર પાદરા રોડ પર આવેલ પિરામલ ગ્લાસ કંપનીમાં અકસ્માતની ઘટના બની હતી. હાઈડ્રોક્રેન ચાલકે ગફલતભરી રીતે ક્રેન ચલાવતા એક વ્યક્તિને અડફેટે લીધો હતો. જેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસરથી પાદરા હાઇવે પર ઉચ્છદ ગામ ખાતે આવેલ પિરામલ ગ્લાસ કંપનીમાં હાઈડ્રો ક્રેઈનના ચાલક રિતેશકુમાર રામવીરસિંઘ યાદવએ હાઈડ્રો ક્રેન ગફલતભરી રીતે હંકારી મૂળ મહારાષ્ટ્રના રૂપેશભાઈ બનારસી નામના વ્યક્તિને અડફેટે લેતાં તેના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વેડચ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી લાશનો કબ્જાે મેળવી તપાસ હાથ ધરી હતી અને મરણ જનારની લાશને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. સદર બનાવ અંગે વેડચ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી

નબીપુરમાં શ્વાનોના હુમલામાં માસૂમ કરૂણ મોત

ભરૂચ, ભરૂચ તાલુકાના નબીપુર ગામે ગતરોજ એક ૩ વર્ષનો બાળક જેનું નામ મહમદ જેટ સિદ્દી છે જે પોતાના ઘરની નજીક રમી રહ્યું હતું તે દરમ્યાન રસ્તે રખડતા ૩ થી ૪ કૂતરાઓ બાળક ઉપર જીવલેણ હુમલો કર્યો હતો અને બાળકને આશરે ૫૦ મીટર જેટલું દૂર ખેંચી ગયા હતા અને બાળકના પેટના ભાગે તથા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. બાળકના પેટના ભાગે ગંભીર ઇજાઓના કારણે પેટમાંથી આંતરડા પણ બહાર આવી ગયા હતા. જ્યારે બાળકના માતાને ખબર પડતાં તેઓ પોતાના દીકરાને બચાવવા દોડ્યા ત્યાં સુધીમાં તો કૂતરાઓ પોતાનું કામ તમામ કરી દીધું હતું. આજુબાજુના રહીશોએ બાળકના મૃતદેહને તેના ઘેર લઇ જઇ બાળકના માતા પિતાના દુઃખમાં સહભાગી બન્યા હતા. મરનાર બાળક આ કુટુંબનો એકનો એક દીકરો હતો