વડોદરા, તા.૧૮ 

છાણી નવાયાર્ડ રોશનનગરમાં રહેતો બસીરખાન પઠાણ (ઉં.વ.૪૫) આજે સવારે રાબેતા મુજબ ઓટોરિક્ષા લઈને ધંધા અર્થે નીકળ્યો હતો. તે પોતાની રિક્ષામાં મહિલા મુસાફરને બેસાડી સમાના જીઆઈપીસીએલ સર્કલથી એલ એન્ડ ટી સર્કલ તરફ આવી રહ્યો હતો તે દરમિયાન બાલાજી અગોરા મોલ પાસે આગળ જઈ રહેલ કારના ચાલકે એકાએક વળાંક લેતાં ઓટોરિક્ષા કારના પાછળના ભાગે અથડાઈ હતી, જેના કારણે રિક્ષામાં સવાર મહિલા મુસાફર ઉછળીને રોડ પર પડયાં હતાં ત્યારે સામેથી આવતી બોલેરો કારના ચાલકે બ્રેક મારી હતી પરંતુ ઓટોરિક્ષા ચાલક બસીરખાન પઠાણે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં રિક્ષા બોલેરો કારમાં ઘૂસી ગઈ હતી. જેમાં રિક્ષાચાલક બસીરખાન પઠાણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અકસ્માત મોતના બીજા બનાવની પ્રાપ્ત વિગત અનુસાર પાણીગેટ રાણાવાસમાં રહેતો અને છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતો ચિરાગ હરીશભાઈ રાણા (ઉં.વ.૨૧) અને તેનો મિત્ર પાર્થ બાઈક ઉપર વિહાર સિનેમાવાળા રોડ પરથી પૂરઝડપે પસાર થતા હતા તે દરમિયાન વરસતા વરસાદમાં બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી, જેના કારણે બંને મિત્રોને ઈજાઓ પહોંચી હતી. જેમાં ચિરાગને ગંભીર ઈજાઓ થતાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનો કોરોનાનો ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તેને કોવિડ સેન્ટરમાં દાખલ કર્યો હતો.