સુખસર

ફતેપુરા તાલુકાના સુખસર પંથકમાં વાહન ચાલકોની બેદરકારીથી સમયાંતરે સર્જાતા વાહન અકસ્માતોમાં નિર્દોષ લોકો કાળનો કોળિયો બની રહ્યા છે.જેમાં વધુ એક અકસ્માત મોતનો બનાવ ગતરોજ સાંજના આઠેક વાગ્યાના અરસામાં સુખસર થી મોટરસાયકલ ઉપર જઇ રહેલા લખણપુરના યુવાનને મકવાણા ના વરુણા ગામના મોટરસાયકલ ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી લખણપુરના યુવાન ની મોટર સાયકલ સાથે અકસ્માત સર્જતા ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. જેને ઝાલોદ,દાહોદ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યા હતા.ગંભીર ઇજાગ્રસ્ત લખણપુરના યુવાનનું રસ્તામાં મોત નિપજવા પામેલ હોવાનું જાણવા મળે છે. જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના લખણપુર ગામના સ્ટેશન ફળિયા ખાતે રહેતા વિનોદભાઈ વાલાભાઈ ચારેલ ઉમર વર્ષ ૩૭ ખેતીવાડી તથા સુખસર ખાતે છૂટક વેપાર ધંધો કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા.જેઓ સુખસર ખાતે પોતાના વેપાર ધંધા માટે લખણપુર થી સુખસર અપડાઉન કરતા હતા.તેવી જ રીતે ગુરુવાર સાંજના આઠેક વાગ્યાના અરસામાં સુખસર ખાતે પોતાની દુકાન બંધ કરી લખણપુર ઘરે જવા નીકળ્યા હતા. તેવા સમયે સુખસર થી ઝાલોદ જતા હાઈવે માર્ગ ઉપર ઘાણીખુટ થી પોતાના કબજાની મોટરસાયકલ નંબર જીજે-૨૦. એસ-૧૩૯૫ ઉપર પસાર થઈ રહ્યા હતા.તેવા સમયે સામેથી મોટરસાયકલ નંબર જીજે-૨૦.પી-૧૫૬૨ ના ચાલકે પોતાના કબજાની મોટરસાયકલને પૂરપાટ અને ગફલતભરી રીતે હંકારી લાવી ઘાણીખુટ બસ સ્ટેશન પાસે ધડાકાભેર અથડાવતા વિનોદ ભાઈ ચારેલ પોતાની મોટરસાયકલ ઉપર થી ઉછળી ડામર રસ્તા ઉપર પટકાયા હતા.જેથી વિનોદભાઈને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવા પામી હતી. તેઓને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ઝાલોદ ખાનગી દવાખાનામાં લઇ જવામાં આવ્યા હતા.