અંક્લેશ્વર, તા.૩૦ 

અંકલેશ્વર તાલુકા નાં શકકરપોર ગામ પાસે વડોદરા મુંબઈ એકસપ્રેસ હાઇવે નાં બ્રિજની કામગીરી દરમ્યાન લોખંડની પ્લેટ પડતા એક કામદારનું મોત થયું હ્‌તું. જ્યારે ત્રણ કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. વિશાળકાય ક્રેઇનના ડ્રાયવરે સંતુલન ગુમાવી દેતા અકસ્માતનો આ બનાવ બન્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે.

વડોદરા અને મુંબઇ વચ્ચે નિર્માણ પામી રહેલા એકસપ્રેસ હાઇવેની કામગીરી હાલમાં પુરજોશમાં ચાલી રહી છે. જોકે આ કામગીરી શરુ થઇ ત્યારથી કોઈક ને કોઈક કારણોસર વિવાદમાં સપડાતી રહી છે. મંગળવારની સવારે અંકલેશ્વર તાલુકાનાં શકકરપોર ગામ નજીક બ્રિજ બનાવવા નું કામ ચાલી રહયુ છે.બ્રિજ પર મોટી પ્લેટ ને ચઢાવવા માટે વિશાળ ક્રેઇનની મદદ લેવામાં આવી હતી. પ્લેટ બ્રિજ પર ચઢાવતી વેળા અચાનક ક્રેઇન અસંતુલિત બની હતી. દુર્ઘટના સમયે ત્યાં કામ કરી રહેલા પંકજસિંગ હરિસિંગ રહેવાશી ઉત્તરાખંડ નાં ઓ ને ભારેખમ પ્લેટ વાગી જતા તેનું મોત નીપજયું હતુ.જ્યારે તેમની સાથે કામ કરી રહેલા રોહિતસિંગ કરમસિંગ , અરુણસિંગ અને હરેન્દ્રકુમાર નામનાં કામદારો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે ખસેડવા માં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર વિભાગીય પોલીસવડા ચિરાગ દેસાઈ તેમજ તાલુકા પોલીસ મથકનાં પીઆઇ રઘુ કરમટીયા સહિતનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને જરૂરી તપાસનાં ચક્રો ગતિમાન કર્યા હતા. તાજેતર માં જ દિવા ગામનાં ખેડૂતોએ જમીન નાં વળતર મુદ્દે કામગીરીનો વિરોધ નોંધાવ્યો હતો.